અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના નેટવર્કમાં કસ્ટમ વિભાગે મહેસાણાના ટ્રાવેલ ઓપરેટર કિરીટ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દુબઈ અને અબુધાબીની સસ્તી વિદેશી ટિકિટની લાલચ આપીને મુસાફરોને દાણચોરીના નેટવર્કમાં જોડતો હતો. મુસાફરોને ટિકિટમાં રૂ. 15થી 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું અને તેના બદલામાં તેમની મારફતે વિદેશથી સોનું અમદાવાદ લાવવામાં આવતું હતું.

ડિસ્કાઉન્ટની લાલચ આપી મુસાફરોનો ઉપયોગ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કિરીટ પટેલ મુસાફરોને વિદેશની ટિકિટમાં મોટું ડિસ્કાઉન્ટ આપીને તૈયાર કરતો હતો. વિદેશમાં બેઠેલો એજન્ટ સોનું મેળવીને અલગ-અલગ મુસાફરોને સોંપતો હતો. ત્યારબાદ મુસાફરો આ સોનું લઈને અમદાવાદ પહોંચતા હતા. આ રીતે મુસાફરોને દાણચોરી માટેના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોવાનો આરોપ છે.

7 મુસાફરો પાસેથી 770.33 ગ્રામ સોનું ઝડપાયું

21 જુલાઈએ અબુધાબીથી અમદાવાદ આવેલી ફ્લાઇટ નંબર 3L111ના મુસાફરોની તપાસ દરમિયાન દાણચોરીનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગે 7 મુસાફરો પાસેથી 770.33 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું. આ સોનાની બજાર કિંમત રૂ. 1.13 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું હતું. મુસાફરોના ખિસ્સામાંથી સોનાની ચેઇન, પેન્ડન્ટ અને મણકા છુપાવેલી હાલતમાં મળી આવ્યા હતા.

પૂછપરછ બાદ ટ્રાવેલ ઓપરેટર સુધી પહોંચ્યું કસ્ટમ્સ

જુલાઈના આ કેસમાં ઝડપાયેલા મુસાફરો અને ટૂર એજન્ટની પૂછપરછ દરમિયાન કિરીટ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ કસ્ટમ વિભાગે તપાસ આગળ વધારી તેની ધરપકડ કરી હતી. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને વિદેશથી સોનું લાવવાની કામગીરી કેવી રીતે ચાલતી હતી.

વર્ષ 2024માં પણ પકડાયો હોવાની વિગતો

કિરીટ પટેલ અગાઉ વર્ષ 2024માં પણ દાણચોરીના કેસમાં ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે. તે સમયે 27 મુસાફરો મારફતે સોનું મંગાવવાના કેસમાં તેની સંડોવણી હોવાનો ઉલ્લેખ છે. હવે ફરી એકવાર તેનું નામ સોનાની દાણચોરીના નેટવર્કમાં સામે આવતા કસ્ટમ વિભાગે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. 


આ પણ વાંચો :      Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે