મેગા સિટી અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાંની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. તંત્રના કરોડો રૂપિયાના અંદાજપત્ર અને પોકળ દાવાઓ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની અધૂરી કામગીરીને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

ધરણીધર રોડ પર તંત્રએ કરેલી અધૂરી કામગીરી 

ખાસ કરીને વાસણા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ એવા અંજલી ચાર રસ્તાથી ધરણીધર રોડ પર તંત્રએ કરેલી અધૂરી કામગીરી હવે વાહનચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે. પ્રથમ વરસાદમાં જ આ આખા રોડ પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયા છે, જે ચોમાસાની સિસ્ટમ સામે કોર્પોરેશનની લાપરવાહીની ચાડી ખાય છે.

તંત્ર પ્રત્યે ભારે રોષ 

સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે રોડ પરના ખાડા દેખાતા નથી, જેના લીધે દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ પટકાય છે અને અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જે નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જનતા હવે તંત્રને આકરા સવાલ પૂછી રહી છે કે, "કરોડોના ટેક્સ વસૂલ્યા પછી પણ પ્રિ-મોન્સૂન કામગીરી ક્યારે પૂર્ણ થશે? જનતાના જીવ જોખમમાં મૂકાયા પછી પણ આ કામો ક્યારે પૂરા કરાશે?"

અત્યંત સાવચેતી સાથે વાહન ચલાવવા અપીલ 

આ જોખમી પરિસ્થિતિને જોતાં વાહનચાલકોને અત્યંત સાવચેતી સાથે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. ચોમાસાની આ સિઝનમાં અકસ્માતનો ખતરો બમણો થઈ ગયો છે. વાહનચાલકોએ આ રોડ પરથી પસાર થતી વખતે પોતાના વાહનની ગતિ ધીમી રાખવી અનિવાર્ય બની ગઈ છે. એકતરફ વરસાદી માહોલ ખુશનુમા છે, તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી બેદરકારીના લીધે અમદાવાદીઓ માટે સફર મુશ્કેલ અને જોખમી બની ગઈ છે. 


આ પણ વાંચો---   Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે