અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી મનપાની ઝોનલ ઓફિસથી માંડ 200 મીટરના અંતરે જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. માત્ર અડધા કલાકના હળવા વરસાદમાં જ મુખ્ય માર્ગની એક તરફનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં મનપાના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મનપાના દાવા કાગળ પર, રોડ પર કર્મચારીઓ ગાયબ

ચોમાસાની શરૂઆત પહેલાં મનપા દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે વરસાદ પડતાં જ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ધોરણે રોડ પર આવીને કામગીરી શરૂ કરી દેશે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી હતી. કચેરીની સાવ નજીક જ પાણી ભરાયા હોવા છતાં સ્થળ પર એક પણ કર્મચારી કે અધિકારી કામગીરી કરતા દેખાયા નહોતા. રોડ પર તંત્રના દાવાઓને બદલે માત્ર પાણી જ પાણી નજરે પડતું હતું.

વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ

ઓફિસ નજીકના મુખ્ય માર્ગ પર જ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અડધા કલાકના વરસાદમાં જ જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય, તો મુસળધાર વરસાદમાં શું હાલત થશે તેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીને માત્ર કાગળ પરનો દેખાડો ગણાવીને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો