અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દબાણમાં જપ્ત કરવામાં આવેલી મિલકતો છોડાવવા માટે હવે બમણો ચાર્જ વસૂલ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે આ નવી વ્યવસ્થા અંગે જાહેરાત કરી છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આરએમસી પ્લાન્ટની સ્થાપના માટે નવી સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
હવે લારીઓ છોડાવવા માટે રૂ. 2000 ચૂકવવા પડશે
મનપાના નિર્ણય મુજબ દબાણ કામગીરી દરમિયાન જપ્ત કરાયેલા લારી-ગલ્લા, બળદગાડું તેમજ ગેસના બાટલા છોડાવવા માટે હવે માલિકોએ પહેલાં કરતાં બમણા નાણાં ચૂકવવાના રહેશે. અગાઉ દબાણમાં જપ્ત કરાયેલી લારીને છોડાવવા માટે માલિકે રૂ. 900 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે લારીઓ છોડાવવા માટે રૂ. 2000 ચૂકવવા પડશે. આ નવી વ્યવસ્થા હાઇકોર્ટના નિયમ અનુસાર અમલમાં મૂકવામાં આવી છે.
મિલકત 45 દિવસ સુધી જપ્ત રાખવામાં આવશે
નવા નિયમ પ્રમાણે દબાણ ખાતા દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલકત 45 દિવસ સુધી જપ્ત રાખવામાં આવશે. જો 45 દિવસ બાદ લારી કે જપ્તીની કોઈ પણ મિલકત છોડાવવા માટે કોઈ નહીં આવે તો તેના પર વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવશે. અગાઉ જપ્ત થયેલી લારીનો સ્ટોરેજ ચાર્જ રૂ. 450 લેવામાં આવતો હતો, જે વધારીને હવે રૂ. 1000 કરાયો છે. આથી નિયત સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી લારી કે દબાણનો સામાન સ્ટોરેજમાં રાખવામાં આવશે તો માલિકો પાસેથી રૂ. 1000 વસૂલ કરાશે.
આરએમસી પ્લાન્ટને લઈને પણ ખૂબ મહત્વની ગાઇડલાઇન જાહેર
બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આરએમસી પ્લાન્ટને લઈને પણ ખૂબ મહત્વની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. મનપા દ્વારા આરએમસી પ્લાન્ટ માટે ઓનસાઇટ અને ઓફસાઇટ પ્રકારની પોલિસી જાહેર કરાઈ છે. આ નીતિ અંતર્ગત 7500 ચોરસ મીટરથી વધુ અને 7500 ચોરસ મીટરથી ઓછા બાંધકામ વિસ્તાર માટે અલગ અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે પ્રોજેક્ટમાં 7500 ચોરસ મીટરથી વધુ કન્સ્ટ્રક્શન એરિયા હશે ત્યાં સ્થળ પર જ પ્લાન્ટ નાખી શકાશે, જ્યારે 7500 ચોરસ મીટરથી ઓછા કન્સ્ટ્રક્શન એરિયા માટે 1 કિલોમીટરના વિસ્તારમાં આરએમસી પ્લાન્ટ સ્થાપી શકાશે.
એસ્ટેટ વિભાગ દ્વારા 4 ઝોન તૈયાર કરવામાં આવ્યા
અગાઉ આરએમસી પ્લાન્ટને શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હવે એસ્ટેટ વિભાગ દ્વારા 4 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન, જનરલ એગ્રીકલ્ચરલ ઝોન, પ્રાઇમ એગ્રીકલ્ચરલ ઝોન અને લોજિસ્ટિક ઝોનનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હવે પ્લાન્ટનું સંચાલન કરી શકાશે.
આ પણ વાંચો : Meerut : પ્રેમ, દગો અને ખૂન, વાંચો..બ્લૂ ડ્રેમ કેસથી ચર્ચિત સૌરભ હત્યાકાંડની કંપાવી નાખે તેવી કહાની