અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકા ક્લબના બાકી ટેક્સથી લઈને રોડની કામગીરી, ફટાકડા વેચાણ, AMTSના ભાડા અને રોડ પર ઉભા રહેતા શાકભાજીના ફેરિયાઓને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને રૂ.20 કરોડના ટેક્સ વિવાદમાં મનપાની લીગલ ટીમની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.

એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સ મામલે મનપા ભીંસમાં

એકા ક્લબને શૈક્ષણિકના બદલે કોમર્શિયલ ટેક્સ ભરવા અંગે મનપાએ વર્ષ 2019માં નોટિસ આપી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી દરમિયાન મનપા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યું નહોતું. કોર્ટ દ્વારા નોટિસની નકલ માંગવામાં આવી હતી, પરંતુ મનપા તે પણ રજૂ કરી શક્યું ન હતું. આ સ્થિતિને કારણે કોર્ટ દ્વારા કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો હતો. હવે મનપાએ તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા છે અને આગામી મુદતમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે લીગલ ટીમના અધિકારીઓની બેદરકારીને કારણે મનપાને નુકસાન થયું હોવાના સવાલો ઉઠ્યા છે.

ફટાકડા વેચનારને દિવાળી પહેલાં મોટી રાહત

દિવાળી દરમિયાન ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચનારા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચાણ માટે BU પરમિશનની જરૂરિયાત નહીં રહે, પરંતુ ફાયર NOC ફરજિયાત રહેશે. આ અંગે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.

5 રોડ અધૂરા છોડ્યા, હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચના

શ્રીજી ઇન્ફ્રાને મનપાએ અલગ-અલગ સ્થળે 5 રોડના કામ સોંપ્યા હતા. પરંતુ કામ અધૂરું છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતા હવે કંપનીને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

લગ્ન માટે AMTS ભાડે લેવાનું હવે સસ્તું બનશે?

લગ્ન સહિતના પ્રસંગો માટે AMTS બસ ભાડે લેવા માટે હાલ આવવા-જવા માટે રૂ.8,000 સુધીનો ખર્ચ થતો હોવાના કારણે લોકોને પૂરતો લાભ મળતો ન હતો. હવે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ તેનો લાભ લઈ શકે તે માટે ભાડામાં ઘટાડો કરવાની તૈયારી છે. નવી પોલિસી બનાવી નવા ભાડા નક્કી કરવામાં આવશે.

રોડ પરના શાકભાજીના ફેરિયાઓ માટે પણ મોટો નિર્ણય

શાક માર્કેટ બનાવવામાં આવ્યા બાદ થડા ફાળવવામાં આવ્યા હોવા છતાં કેટલાક ફેરિયાઓ રોડ પર જ ઊભા રહેતા હોવાના મુદ્દે મનપાએ કડક નિર્ણય લીધો છે. હવે થડા ધરાવતા શાકભાજી વેચનારને ફરજિયાત શાક માર્કેટમાં ખસેડવામાં આવશે અને રોડ પરના ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ટેક્સ વસૂલાતમાં થયેલી બેદરકારી સામે મનપા દસ્તાવેજો સાથે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ શહેરના રોડ, ટ્રાફિક અને વેપાર વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.   


આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું