અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા વિવાદોમાં ઘેરાયેલી ચિત્રા એડ એજન્સીને નવા બસ સ્ટેશન બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવતાં ચર્ચા જાગી છે. ભૂતકાળમાં મનપા સાથે આમનેસામને આવી ગયેલી આ એજન્સીને હવે 800 જેટલા બસ સ્ટોપ ઊભા કરવાનું કામ બાર્ટર સિસ્ટમથી અપાયું છે. સમગ્ર વિવાદો વચ્ચે પણ તંત્ર આ એજન્સી પર મહેરબાન બન્યું છે.
ચિત્રા એડ એજન્સીને 800 જેટલા બસ સ્ટેશન બનાવવાની કામગીરી સોંપવામાં આવી
અમદાવાદમાં એએમટીએસ દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણયમાં વિવાદિત ચિત્રા એડ એજન્સીને શહેરભરમાં નવા 800 જેટલા બસ સ્ટેશન બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ બાર્ટર સિસ્ટમ આધારિત પદ્ધતિથી સોંપવામાં આવ્યો છે. આ સમજૂતી અનુસાર એજન્સી પોતાના ખર્ચે આ તમામ બસ સ્ટોપ તૈયાર કરશે અને તેની સામે તેને તમામ સ્થળો પર પોતાની જાહેરાતો તેમજ પબ્લિસિટી કરવાની સંપૂર્ણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
તંત્ર વિવાદિત પૃષ્ઠભૂમિ ધરાવતી ચિત્રા એડ એજન્સી પર અતિશય મહેરબાન
સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટ આપતી વખતે એજન્સીનો પૂર્વ ઇતિહાસ ચકાસવામાં આવતો હોય છે. પરંતુ આ કિસ્સામાં એએમટીએસ તંત્ર વિવાદિત પૃષ્ઠભૂમિ ધરાવતી ચિત્રા એડ એજન્સી પર અતિશય મહેરબાન જોવા મળી રહ્યું છે.
ચિત્રા એડ એજન્સી અગાઉ પણ ગંભીર વિવાદોમાં સપડાયેલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચિત્રા એડ એજન્સી અગાઉ પણ ગંભીર વિવાદોમાં સપડાયેલી રહી છે. ભૂતકાળમાં આ એજન્સી દ્વારા ગેરકાયદે તેમજ ખોટી રીતે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા, જેને પગલે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વૃક્ષ છેદનની ગેરરીતિ સામે કડક વલણ દાખવીને અમદાવાદ મહાનગરપાલિકાએ આ એજન્સી સામે પગલાં લીધાં હતાં. મનપા તંત્ર દ્વારા તે સમયે ચિત્રા એડ એજન્સીને રૂ. 50 લાખ જેટલો જંગી આર્થિક દંડ ફટકારવામાં આવ્યો હતો. આ જંગી દંડ થતાં એજન્સી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનો વિવાદ વકર્યો હતો.
મનપા સામે જ કોર્ટ કેસ ચાલે છે છતાં કામ અપાયું
મનપા દ્વારા ફટકારવામાં આવેલા આ 50 લાખ રૂપિયાના દંડના મામલે ચિત્રા એડ એજન્સીએ સમાધાન કરવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સીધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મનપા સામે જ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં, મનપાના જ પેટા વિભાગ એવા એએમટીએસ દ્વારા આ જ એજન્સી પર વિશેષ મહેરબાની દર્શાવવામાં આવી છે. જે એજન્સીએ અગાઉ શહેરના પર્યાવરણને નુકસાન પહોંચાડી વૃક્ષો કાપ્યા હતા અને તંત્ર સામે કાયદાકીય લડત ચલાવી રહી છે, તેને જ 800 જેટલા નવા બસ સ્ટોપ સોંપી દેવાતાં તંત્રની નીતિરીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!