અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અણમોલ ટાવર સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતાં રહીશો પરેશાન થઈ ગયા છે. સોસાયટીમાં શ્વાનના કરડવાની અનેક ઘટનાઓ બની હોવાના આક્ષેપ વચ્ચે હવે રહીશોએ લોકોને સાવચેત કરવા અનોખો રસ્તો અપનાવ્યો છે. સોસાયટીના ગેટ પર જ 'અમારી સોસાયટીના શ્વાન કરડે છે' તેવી ચેતવણી લગાવવામાં આવી છે. શ્વાનના ડરને કારણે કેટલાક રહીશો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હોવાની સ્થિતિ છે.
ગેટ પર જ લગાવ્યું ચેતવણીનું બોર્ડ
અણમોલ ટાવરના રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર ચેતવણીનું બોર્ડ લગાવ્યું છે. તેમાં સોસાયટીના શ્વાન કરડતા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે સોસાયટીમાં સ્વાગત કે સૂચનાનાં બોર્ડ જોવા મળે છે, પરંતુ અહીં શ્વાનથી સાવધાન રહેવા માટે બોર્ડ લગાવવાની સ્થિતિ ઊભી થઈ છે.
અનેક લોકોને શ્વાન કરડ્યાનો આક્ષેપ
રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં રખડતા શ્વાનના ત્રાસને કારણે અનેક લોકોને કરડવાની ઘટનાઓ બની છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ડરનો માહોલ છે. શ્વાનના ભયથી કેટલાક રહીશો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તંત્રને રજૂઆત છતાં ઉકેલ નહીં
શ્વાનના ત્રાસ અંગે સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાનો આક્ષેપ છે. વારંવારની રજૂઆતો છતાં પરિસ્થિતિ યથાવત્ રહેતાં રહીશોએ હવે પોતાના સ્તરે લોકોને ચેતવણી આપવાનું શરૂ કર્યું છે.
રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્ર ક્યારે જાગશે?
અણમોલ ટાવરની આ સ્થિતિએ શહેરમાં રખડતા શ્વાનના ત્રાસ અને જાહેર સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. રહીશોનો સવાલ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી? હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?