ઇસનપુરની વૃદ્ધાને ગઠિયાઓએ દોઢ દિવસ ડિજિટલ એરેસ્ટ રાખીને એફ્ડી તોડાવીને રૂ. 4 લાખ પડાવી લીધા છે. આ અંગે વૃદ્ધાએ અજાણ્યા ગઠિયા સામે ડિજિટલ એરેસ્ટની ફરિયાદ નોંધાવી છે.


ઇસનપુરમાં રહેતા વૃદ્ધાને ગત પાંચ ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન પરની વ્યક્તિએ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડયા છે, તેમ પૂછતાં વૃદ્ધાએ રૂ. 800 પડયા હોવાનું કહ્યું હતું. ગઠિયાએ દાગીના વિશે પૂછતા વૃદ્ધાએ ના પાડી હતી, પરંતુ તેમણે પોતાની રૂ. 4 લાખની એફ.ડી. અંગે જાણકારી આપી હતી. થોડા સમય પછી ગઠિયાએ પોલીસનો ડ્રેસ પહેરીને ફરીથી વૃદ્ધાને વીડિયો કોલ કરી મુંબઇ પોલીસની તરીકેની ઓળખ આપી હતી. તેણે કહ્યું હતું કે 'તમારા એકાઉન્ટમાં એક કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે, તમારી સામે મની લોન્ડરિંગનો કેસ થયો છે.' બાદમાં ગઠિયાએ 'ઈન્વેસ્ટિગેશન માટે તમારે બેન્કમાંથી રૂપિયા ઉપાડીને અમારા ઈન્વેસ્ટિગેશન માટેના એકાઉન્ટમાં ટ્રાન્સફ્ર કરવા પડશે.' તેમ કહ્યું હતું. જેથી વૃદ્ધાએ ચાલુ કોલ સાથેં બેન્કમાં જઇને રૂ. 4 લાખની એફ.ડી. તોડીને રૂપિયા આપેલા એકાઉન્ટમાં ટ્રાન્સફ્ર કર્યા હતા. જે બાદ ગઠિયાએ કહ્યુ કે, ત્રણ કલાકમાં રૂપિયા પરત મળી જશે પરંતુ રૂપિયા પરત ન આવતા વૃદ્ધાએ બેન્કમાં ફ્રોડની જાણ કરી હતી. ડિજિટલ એરેસ્ટની જાણ થતા વૃદ્ધાએ અજાણ્યા ગઠિયા સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: