મણિનગરમાં કાંકરિયા વિસ્તારમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા શાળા નંબર-6 ને સ્માર્ટ સ્કૂલ જાહેર કરવામાં આવી હતી. પરંતુ માત્ર થોડાં જ વર્ષોમાં અદ્યતન સુવિધાથી સજજ શાળા જર્જરિત થઈ જતા બંધ કરી દેવામાં આવી છે. તેમજ બાળકોને સ્માર્ટ વર્ગખંડના બદલે પતરામાં નીચે બેસીને ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓ કહી રહ્યા છે કે, સૌપ્રથમ સ્માર્ટ બનાવવામાં આવી હતી તેનું બિલ્ડિંગ 60 વર્ષથી વધુ સમયથી જૂનું છે 10 વર્ષ પહેલા સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી. બિલ્ડિંગનો ભાગ જર્જરિત જણાતા તેને સલામતીના ભાગરૂપે બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા સૌથી પહેલી સરકારી સ્માર્ટ શાળા કાંકરિયામાં બનાવવામાં આવી હતી. જેનું 10 વર્ષ પહેલા પશ્ચિમ લોકસભાના સાંસદ પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ માત્ર 10 વર્ષના સમયગાળામાં જ શાળા જર્જરિત થઈ ગઈ હોવાના કારણે તેને અત્યારે બંધ કરી દેવામાં આવી છે. શાળાના બાળકોને બાજુમાં આવેલી કાંકરિયા શાળા નંબર- 8માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં નહીં પરંતું પતરા નીચે ખુલ્લી જગ્યામાં બેસીને ભણી રહ્યા છે. ત્રણથી ચાર રૂમ હોવા છતાં પણ તેમાં ભંગાર મૂકી રાખવામાં આવ્યો છે અને બાળકોને બહાર બેસાડીને પતરાની છે પંખા કે કુલરની સુવિધા વિના ભણાવવામાં આવી રહ્યા છે. આ તરફ એક ચાલુ શાળાની અંદર વધારાના બાળકો મૂકવામાં આવતા ક્લાસરૂમની પણ મોટી સંખ્યામાં જરૂર ઉભી થઈ રહી છે. જ્યારે શાળા નંબર 8માં ત્રણ ક્લાસરૂમ ખાલી છે જેમાં શાળાનો ભંગાર અને અન્ય સામાન મૂકી દેવામાં આવ્યો છે તેને ખાલી કરી દેવાની જગ્યાએ બાળકોને પતરાની નીચે બેસાડવામાં આવ્યા છે. સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ 1-2ના બાળકોને પતરા નીચે બેસાડી અને ભણાવવામાં આવે છે જ્યાં કોઈ પણ પ્રકારની પંખાની કે કુલરની સુવિધા કરવામાં આવી નથી.










