અમદાવાદ ATS દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા 526 કિલો નશીલા પદાર્થ (ડ્રગ્સ)ના હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે તપાસનો ચક્રવ્યૂહ તેજ કર્યો છે. કેસમાં પકડાયેલા પાંચ પાકિસ્તાની નાગરિકોને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સના કારોબારના મૂળ સુધી પહોંચવા અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી છે.

અમદાવાદ મિટિંગ અંગે તપાસની જરૂરિયાત

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના આ જથ્થાની ડિલિવરી ભારતમાં કોને સોંપવાની હતી તે મુખ્ય કોયડો ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે આ રેકેટના તાર ઈરાન અને પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત, આ ડ્રગ્સના રેકેટ સંદર્ભે અમદાવાદમાં કઈ જગ્યાએ અને કોની કોની સાથે બેઠકો (મિટિંગ) યોજાઈ હતી તે અંગેના ચોંકાવનારા સત્યો બહાર લાવવા માટે પણ રિમાન્ડ અનિવાર્ય છે.

નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

સરકારી પક્ષની મજબૂત દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને નામદાર કોર્ટે પાંચેય પાકિસ્તાની આરોપીઓના 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડગાળા દરમિયાન ATS ની ટીમ આરોપીઓની કડક પૂછપરછ કરીને ભારતમાં રહેલા સ્થાનિક સ્મગલરો, નાણાકીય લેવડદેવડ અને સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો