ખોખરામાં બે ભાઇઓ અંદરોઅંદર ઇસ્ત્ર્રીના કામ કરવા બાબતે ઝઘડી રહ્યા હતા. આ દરમ્યાન એક શખ્સ આવ્યો હતો અને બંનેને સમજાવવા જતા યુવકે તેને ઘરે જતા રહેવાનું કહ્યુ હતુ. જે બાદ યુવક શખ્સના ઘરે જઇને સમજાવતો હતો જેથી શખ્સે ઉશ્કેરાઇને અહિયા કેમ આવ્યો કહીને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવકે શખ્સ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ખોખરામાં રહેતા રણજીત ધોબી ધોબીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 11 જુલાઇએ રાત્રીના સમયે તેમના મોટાભાઇ સાથે ઇસ્ત્ર્રીનું કામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. આ દરમ્યાન તેમની દુકાનના ઉપરના માળે રહેતા હેમંત કોષ્ટી આવ્યો હતો અને બંનેને ઝઘડો ન કરવા સમજાવતો હતો. જેથી રણજીતે તેને ઘરે જતો રહેવા જણાવ્યુ હતુ. ત્યારે હેમંતે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં બંને ઘરે જતા રહ્યા હતા. જે બાદ રણજીત હેમંતના ઘરે તેને સમજાવવા જતા તુ અહિયા કેમ આવેલ છે કહીને બિભત્સ ગાળો બોલીને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસકર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રણજીતે બૂમાબૂમ કરતા આસપાસના અને પરિવારજનો આવી જતા હેમંત ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રણજીતને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે રણજીતે હેમંત સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: