દિલ્હી હાઇકોર્ટે પહેલવાન બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન જેવા ટોચના પહેલવાનોને આંચકો આપ્યો છે. હાઇકોર્ટે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણીને પડકાર આપનારી આ પહેલવાનોની અરજીને ફગાવી દીધી છે. આ તમામ પહેલવાનો ઘણીવાર હાઇકોર્ટ સામે હાજર નહોતા થયા અને તે કારણે જ અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી. WFIની ચૂંટણીમાં સંજયસિંહે અનીતા શ્યોરાણને હરાવીને અધ્યક્ષપદે જીત મેળવી હતી. અનીતાને આ ટોચના પહેલવાનોનું સમર્થન પ્રાપ્ત હતું.
ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાએ 27 નવેમ્બરે આ મામલે સુનાવણી કરી હતી અને જોયું હતું કે કોઈપણ અરજદાર કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર નથી. સુનાવણી આગળ વધતા જાણવા મળ્યું હતું કે પહેલવાનો છેલ્લી બે સુનાવણીમાં પણ ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આ મામલાને આગળ લઈ જવામાં અરજદારોને કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે પહેલવાનોએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે WFIની ચૂંટણીઓ સારી અને પારદર્શક રીતે નહોતી થઈ. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં કમી અને અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. અરજદારો વારંવાર સુનાવણીમાં હાજર નહીં રહેતા અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી.










