અમદાવાદ જિલ્લામાં સાણંદ-બાવળા તાલુકા વિસ્તારને અડીને આવેલા નળ સરોવરમાં દેશવિદેશથી આવતાં અઢીથી ત્રણ લાખ પક્ષીઓને જોવા દર વર્ષે 60 હજારથી વધુ સહેલાણીઓ આવે છે. આ સહેલાણીઓને આકર્ષવા માટે રૂપિયા 26 કરોડથી વધુના ખર્ચે વિકસાવાયું છે. બ્યૂટીફિકેશનની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરાશે. ટૂરિઝમના સૂત્રો કહ્યું કે, કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બોટિંગ સિવાયની સાઇડ તૈયાર થઈ ગઈ છે. ઉદ્ઘાટન બાદ સહેલાણીઓ માટે પણ ખૂલ્લું મુકાશે.


ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા નળ સરોવર વિસ્તારનો વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં નળ સરોવર ખાતે બે એન્ટ્રી ગેટ, બોટિંગ, કાફેટ એરિયા, જમવાની વ્યવસ્થા, પક્ષીઓને જોવા ખાસ વ્યવસ્થા, રિસેપ્શન સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાશે. નળ સરોવર વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે. આથી સમગ્ર વિસ્તારમાં અવરજવરથી લઈ સંચાલન ફોરેસ્ટ વિભાગ દ્વારા જ કરાય છે. પરંતુ નવા નજરાણા બાદ નળ સરોવરોનું સંચાલન પીપીપી ધોરણે કરાય તેવી શકયતા છે. જેથી કરીને ઊભી કરાયેલી નવી સુવિધાઓની સારી રીતે જાળવણી થઇ શકે. ટૂરિઝમ વિભાગના સૂત્રોએ કહ્યું કે, નળ સરોવર વિસ્તારના વિકાસથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.

નવા ઊભા કરાયેલા આકર્ષણો આ પ્રકારના હશે

01. કયુઆર કોડથી માહિતી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાશે

02. લોકો જાણકારી મેળવી શકે તે માટે રિસેપ્શન સેન્ટર બનશે

03. વિરમગામ અને બગોદરા મળી બે એન્ટ્રી ગેટ રહેશે

04. ટિકિટ માટે અલગ એરિયા

05. પાણીનું લેવલ જાળવી શકાશે

06. એક મોટો હોલ બનશે, જેમાં નળ સરોવરના ઇતિહાસને આવરી લેવાશે, દેશ-વિદેશના પક્ષીઓની માહિતી પણ હશે

07. નળ સરોવરના દૂર રહેલા પક્ષીઓ અને તેઓની એક્ટિવિટી જોઇ શકાશે

08. બોટિંગ એરિયામાં વિવિધ પ્રકારની બોટ રખાશે

09. બોટિંગ એરિયામાં ચા-નાસ્તા માટે આકર્ષક કાફેટ એરિયા બનશે

10. હાલ જ્યાં દુકાનો બનાવી છે, તે વિસ્તારમાં જમવા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા રહેશે, જેમાં દેશ સહિત વિવિધ પ્રકારની ખાદ્ય ચીજ-વસ્તુઓ મળશે


  • Follow us on: