રાજકોટ મનપાના શાસક પક્ષ ભાજપના ખજાનચીએ વાડ ચિભડા ગળતી હોય તેમ શેરીમાં દબાણ કરીને કાર પાર્કિગ બનાવી નાખ્યું છે. લોકોને નડતર થાય તે રીતે દબાણ કરાયું હોય તેની ફરિયાદો ઉઠતા મનપાએ નોટિસ ફટકારી છે.


દિવાનપરા જેવા શહેરના ગીચ વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ જ ભાજપના ખજાનચી મયુર શાહે નિયમોની ઐસી કી તૈસી કરીને દબાણ ખડકી દીધાની વિગતો પ્રાપ્ત થાય છે. આ દબાણ અંગે ફરિયાદ ઉઠતા મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે નોટિસ પણ ફટકારી છે. રાજકોટના જૂના અને મધ્યના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેમાં ચાલવાની પણ જગ્યા ઓછી મળે છે તેવા સ્થળે ભાજપના હોદ્દેદાર ઉપરાંત અન્ય એક વેપારીએ પણ દબાણ કરી ગેરકાયદે બાંધકામ કરી નાખ્યા છે તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે. મનપા દ્વારા આગામી દિવસોમાં આ બાંધકામો દૂર કરવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બારામાં મયુરભાઈ શાહે કહ્યું કે, મારા ઘર અને ઓફિસ પાસે જે 10 ફૂટની જગ્યા છે તેમાં છાયો રહે તે માટે લોખંડના એંગલ નાખીને છાપરૂ નાખ્યું છે. બાકી કોઈ બાંધકામ કર્યા નથી.


  • Follow us on: