અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે ચાલી રહેલી બેદરકારીના કારણે વધુ એક રહેણાંક સોસાયટી પર જોખમ તોળાયું છે. શહેરના ન્યૂ પ્રભુપાર્ક સોસાયટીની બાજુમાં ચાલી રહેલી 'ત્રીનય' (Trinay) નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી માટે બનાવાયેલી ડાયાફ્રામ વોલનો કેટલોક ભાગ અચાનક ધસી પડ્યો હતો. ડાયાફ્રામ વોલ તૂટી પડવાના કારણે ન્યૂ પ્રભુપાર્ક સોસાયટી નજીકની જમીન મોટી માત્રામાં ઘસી ગઈ હતી, જેના કારણે સોસાયટીના બે મકાનો અને બ્લોકના પાયા જોખમાયા હતા.

AMCએ નોટિસ પાઠવતાં સ્થાનિકોએ 2 બ્લોક ખાલી કર્યા

સાઇટ પર ડાયાફ્રામ વોલ ધસી પડવાને કારણે સોસાયટીના 2 બ્લોક અત્યંત ભયજનક અને જોખમી સ્થિતિમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો એસ્ટેટ વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ન્યૂ પ્રભુપાર્ક સોસાયટીના જોખમી બનેલા 2 બ્લોકને તાત્કાલિક ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

સ્થાનિકોમાં રોષ, સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર

AMCની કડક નોટિસ અને મકાનો ધરાશાયી થવાના ભયના કારણે સ્થાનિક રહીશોએ પોતાના ઘરો ખાલી કરી દીધા છે. અચાનક પોતાના આશિયાના ખાલી કરવા પડતાં સ્થાનિક પરિવારમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા પૂરતી સુરક્ષા વિના અને બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં તંત્ર દ્વારા આજુબાજુના વિસ્તારને કવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો