અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડાની દહેશતથી સ્થાનીક રહીશોમાં ભારે ફાળ પડી છે. સળંગ બીજા દિવસે પણ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. 

લોકોએ મોર્નિંગ વોક પર નીકળવાનું પણ ટાળ્યું

ખાસ કરીને બોપલની શરણદીપ સોસાયટીમાં જાણે અઘોષિત કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. દીપડાના ડરથી રહીશોએ ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું છે અને આજે સવારે લોકોએ મોર્નિંગ વોક પર નીકળવાનું પણ ટાળ્યું હતું.

દીપડાનો કોઈ પત્તો લાગ્યો નથી

ઘટનાને 30 કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં દીપડાનો કોઈ પત્તો લાગ્યો નથી. જોકે, બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો હાજર હોવાના ચોક્કસ પૂરાવા અને પગછાપ વનવિભાગને મળી આવ્યા છે. આથી વનવિભાગ દ્વારા રાત-દિવસ સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

25થી વધુ અનુભવી કર્મચારીઓનો કાફલો મેદાનમાં

દીપડાને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે સાણંદ, માંડલ, દેત્રોજની ટીમો ઉપરાંત ગીર ફાઉન્ડેશન અને બોડકદેવ રેસ્ક્યૂ સેન્ટરના 25થી વધુ અનુભવી કર્મચારીઓનો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

પાંજરા ગોઠવીને તપાસ તેજ કરી

વનવિભાગની ટીમોએ આસપાસના અવાવરું સ્થળો, ખેતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં પાંજરા ગોઠવીને તપાસ તેજ કરી છે. દીપડો હજુ સુધી પકડાયો ન હોવાથી તંત્ર દ્વારા આસપાસની સોસાયટીના રહીશોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તથા પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો       :    Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી