અમદાવાદ શહેરની BRTS બસમાં મુસાફરી કરતી મહિલાઓને લક્ષ્ય બનાવીને ગુના આચરતી ગેંગ સામે ઈસનપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. ઘોડાસર BRTS બસ સ્ટેન્ડથી ઇસ્કોન તરફ જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. મહિલાને જાણ થાય તે પહેલાં જ ગઠિયો ચેઇન આંચકીને ફરાર થઈ ગયો હતો, જે અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઈસનપુર પોલીસની ટીમે BRTS બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ સઘન રીતે તપાસ્યા હતા. CCTV વિશ્લેષણના આધારે પોલીસે આરોપીની ઓળખ છતી કરી હતી અને ટૂંક જ સમયમાં દિલીપભાઈ ગોવિંદભાઈ દંતાણી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ઈસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ આ વણશોધાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.
