ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં લાંબા સમયથી ધમધમતા ઘણાં એકમો સામે પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા નિકોલમાં કઠવાડામાં બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
આ માટે કઠવાડા, સિંગરવા અને ભૂવાલડીમાં આવેલા સહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ હબના શેડમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન-પરવાનગીએ કરેલ 17-યુનિટનું બાંધકામ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ્, દબાણ વાન, ખાનગી મજૂરો, ગેસ કટર, જે.સી.બી. બ્રેકર મશીન દ્રારા આશરે 860 ચો.મી. બાંધકામ તોડી પાડેલ છે તથા રૂ.1,60,000/- વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો છે.
આ અંગે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીયલ હબની અંદર ગેરકાયદેસર મકાનો ધમધમી રહ્યા હતા. જેના અંગે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જેના પર આખરે એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ હેઠળ 17 યુનિટોમાં બાંધકામ કરવામાં આવેલા દબાણને હટાવવામાં આવ્યો છે. જેના પાસેથી રૂ.1.60 લાખ વસુલવામાં આવ્યા છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં રોડ રસ્તા પર નડતર રૂપ અને રસ્તા પર રહેલા વિવિધ દબાણ હટાવવા માટેની કામગીરી કરી છે. જેમાં 5-નંગ શેડ દૂર કરવામાં આવ્યા છે અને 15-નંગ લારી, 1-નંગ વ્હીકલ, 85-નંગ બોર્ડ/બેનર તથા 105-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. 35-નંગ વાહનોને લોક મારી રૂ.14,800/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. આમ, કુલ રૂ.1,74,800/- વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. આ સાથે જ એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવાની પણ માહિતી આપી છે.