અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના હબ ગણાતા એસ.જી. હાઈવે નજીક છારોડી વિસ્તારમાં આવેલા 'એલીઝીયમ કાફે' માં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર સોલા હાઈકોર્ટ પોલીસે ઓચિંતા દરોડા પાડીને મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ કાફેમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે પ્રતિબંધિત અને નિકોટીનયુક્ત નશીલી ફ્લેવરના હુક્કાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે સોલા પોલીસે રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા
પોલીસના દરોડા દરમિયાન કાફેમાં મોટાપાયે નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં 7 નંગ ફેન્સી હુક્કા, ફિલ્ટર, પ્રતિબંધિત કેમિકલયુક્ત ફ્લેવર્સ અને હુક્કાબાર ચલાવવા માટે વપરાતી અન્ય ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે. આ આખી રેઇડ બાદ કાફે પરિસરમાં ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ભારે નાસભાગ મચી ગઈ હતી.
સંચાલકો સામે ગુનો
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ સોલા હાઈકોર્ટ પોલીસે કાફેના સંચાલક હર્ષદકુમાર પ્રજાપતિ અને તેના મેનેજર વિવેક શર્માની અટકાયત કરીને કડક કાયદાકીય સકંજો કસ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અને સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદન પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડી રાત સુધી ચાલતા કાફે કલ્ચરની આડમાં નશાનો વેપાર કરતા તત્વો સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ કાફેમાં નશાની સામગ્રી ક્યાંથી સપ્લાય થતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ