એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના બ્લડ ટેસ્ટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તબીબી પ્રોટોકોલ મુજબ નિઃશુલ્ક (ફ્રી) થતા હોવા છતાં, દર્દીઓના બ્લડ સેમ્પલ બહારની ખાનગી લેબમાં મોકલવામાં આવી રહ્યા હોવાના સળગતા આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
એક જ દર્દીના બે વાર સેમ્પલ લેવાયાનો દાવો
મળતી વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એક જ દર્દીના બે-બે વખત બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનો દાવો પણ પીડિત પક્ષ દ્વારા કરાયો છે. સરકારી સુવિધાઓ પર્યાપ્ત હોવા છતાં દર્દીઓને ખાનગી લેબમાં ધકેલીને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
