એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે તાજેતરમાં 523 સિક્યુરિટી ગાર્ડ અને 30 સુપરવાઈઝરની ભરતી માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ ટેન્ડરમાં મુકવામાં આવેલી આકરી અને વિચિત્ર શરતોને કારણે સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી ગઈ છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, આ સિક્યુરિટી ગાર્ડની પારદર્શક ભરતી છે કે પછી કોઈ ચોક્કસ ખાનગી એજન્સીને ‘રેડ કાર્પેટ’ પાથરીને કામ સોંપવાનો કારસો?
ટર્નઓવરની શરત 13 કરોડથી સીધી વધારી 69.82 કરોડ કરી દેવાઈ
આ ટેન્ડર વિવાદનું મુખ્ય કારણ તેમાં મુકવામાં આવેલી વાર્ષિક ટર્નઓવરની કડક શરત છે. ગત વર્ષે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં અરજી કરનાર સિક્યુરિટી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 13 કરોડ રૂપિયા હોવું ફરજિયાત હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે, માત્ર એક જ વર્ષના ગાળામાં આ વખતના નવા ટેન્ડરમાં ટર્નઓવરની મર્યાદા વધારીને સીધી 69.82 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે! એટલે કે ટર્નઓવરની રકમમાં એકઝેટ 5 ગણાથી પણ વધુનો જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ શરતના કારણે નાની અને મધ્યમ કક્ષાની સિક્યુરિટી એજન્સીઓ ટેન્ડરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.
523 સિક્યુરિટી ગાર્ડ્સ માટેની નવી ભરતીનું માળખું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ વિવાદાસ્પદ ટેન્ડરમાં નીચે મુજબના સુરક્ષા કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે:
- કુલ સિક્યુરિટી ગાર્ડ: 523
- પુરુષ સિક્યુરિટી ગાર્ડ: 448
- મહિલા સિક્યુરિટી ગાર્ડ: 45
- સિક્યુરિટી સુપરવાઈઝર: 30

જૂના અને નવા ટેન્ડરના નિયમોની સરખામણી: શું બદલાયું?
જૂના અને નવા ટેન્ડરના વર્ક ઓર્ડર અને અનુભવની શરતોની સરખામણી કરીએ તો મોટો તફાવત અને ગોટાળો સ્પષ્ટપણે નજરે પડે છે:
વર્ષ 2023 થી 2025ના ટેન્ડરની શરતો:
- 4.33 કરોડના કામના 3 વર્ક ઓર્ડર
- 6.50 કરોડના 2 વર્ક ઓર્ડર
- 13 કરોડનું 1 વર્ક ઓર્ડર
વર્ષ 2026 થી 2028ના નવા ટેન્ડરની શરતો:
- 6.98 કરોડના 5 વર્ક ઓર્ડર
- 10.40 કરોડના 4 વર્ક ઓર્ડર
- 13.96 કરોડના 3 વર્ક ઓર્ડર
- 17.45 કરોડના 2 વર્ક ઓર્ડર
- 29.67 કરોડનું 1 વર્ષ મેનપાવર સપ્લાય કરવાનો વર્ક ઓર્ડર
આ આંકડાકીય સરખામણી પરથી સ્પષ્ટ થાય છે કે, અનુભવ અને કામગીરીના આંકડા એટલા ઊંચા કરી દેવાયા છે, જેથી કરીને ખૂબ જ મર્યાદિત કંપનીઓ જ આમાં ક્વોલિફાય થઈ શકે.
સિક્યુરિટીના કામમાં શા માટે માંગવામાં આવ્યો ‘મેનપાવર સપ્લાય’નો અનુભવ?
નવા ટેન્ડરમાં સૌથી મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે, જ્યારે કામગીરી માત્ર સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવાની છે, ત્યારે ટેન્ડરની શરતોમાં શા માટે 29.67 કરોડ રૂપિયાનું 'મેનપાવર સપ્લાય' કરવાનો અનુભવ માંગવામાં આવ્યો છે? ગત ટેન્ડર વખતે સંખ્યાબંધ કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 48 કંપનીઓને ડીસ્કોલીફાઈડ કરવામાં આવી હતી અને અંતે 4 કંપનીઓ જ ક્વોલિફાય થઈ હતી, જેમાં રાજસ્થાનની આર.એસ. સિક્યુરિટીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ વખતે શરતો વધુ કડક બનાવીને કોઈ ચોક્કસ મળતીયા કે માનીતી કંપનીને જ કોન્ટ્રાક્ટ આપવાની પૂર્વ આયોજિત ગોઠવણ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સુપ્રિટેન્ડેન્ટનો દાવો- "નિયમ મુજબ કામગીરી", પણ સવાલો અકબંધ
આ સમગ્ર ટેન્ડર વિવાદ અંગે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમોનુસાર અને પારદર્શક રીતે જ કરવામાં આવી છે. જોકે, સુપ્રિટેન્ડેન્ટના બચાવ સામે અનેક સવાલો હજુ પણ અનુત્તરીત છે. જો નિયમો વ્યાજબી છે, તો ટર્નઓવરમાં એકાએક 5 ગણો વધારો શા માટે કરાયો? કોના આર્થિક હિતો સાચવવા માટે કયા અધિકારીઓની મિલીભગતથી આ તખ્તો ઘડાયો છે તે હવે ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ