દરિયાપુરમાં અને રખિયાલમાં રહેતી બે પરિણીતાના સોશિયલ મીડિયામાંથી અજાણ્યા શખ્સે અન્ય પુરૂષો સાથે ફોટા વિડીયો લઇને એડિટીંગ કરીને બિભત્સ લખાણ અને ઓડિયો મૂકીને બદનામ કરવા પોસ્ટ કર્યાનું સામે આવ્યુ છે. આ અંગે બન્ને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમ બ્રાન્ચની મદદ લઇને વધુ તપાસ હાથધરી છે.
દરિયાપુરમાં 33 વર્ષીય પરિણીતાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી તે તેના પિયરમાં રહે છે. પતિ સાથે ભરણ પોષણને લઇને ફેમિલિ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. આ પરિણીતા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. થોડા દિવસો અગાઉ પરિણીતા ઘરે હાજર હતી ત્યારે તેની પિતરાઇ બહેને ફોન કરીને કહ્યુ કે, તમારા નામથી એક સોશિયલ મીડિયા આઇડી છે જેમાં તમારો અને અજાણ્યા યુવકનો ફોટો મૂકવામાં આવ્યો છે. આ બાદ પરિણીતાએ તે આઇડી ચેક કરતા અજાણ્યા શખ્સોએ પરિણીતાના ફોટામાં કોઇએ છેડછાડ કરીને અન્ય પુરૂષ સાથે મૂકી દીધો હતો. આ અંગે પરિણીતાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.










