જિલ્લામાં જાહેર સ્થળોએ નાળા બનાવવાનો ખર્ચ બતાવીને ખાનગી ખેતરોમાં નાળા કરીને આડેધડ ખર્ચ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કારણકે, સરકારી ગ્રાન્ટમાંથી ખાનગી ખેતરોમાં કોઇ પણ સંજોગોમાં નાળા બની શકે નહીં અને બીજુ એક લાખ કરતાં ઓછી રકમમાં બનતાં નાળા પાછળ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે.
જિલ્લાના નવ તાલુકામાં આડેધડ ખર્ચ કરી દેવાયો હોવા છતાં ડીડીઓની તપાસ કમિટી ચૂપકિદી સેવી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં ચુંટાયેલી પાંખના કેટલાક સદસ્યો પોતાના સબંધો સાચવવા ખાનગી ખેતૂરોમાં નાળા કરી આપતા હોવાની વિગતો જાણવા મળી છે. ખરેખર તો ખેતરના માલિકે સ્વખર્ચે નાળા કરવાના હોય છે. પરંતુ રાજકીય આગેવાનો સાથે જોડાયેલા કેટલાક ખેતર માલિકો સરકારી ગ્રાન્ટમાંથી ખાનગી નાળા કરાવતા હોવાનું બહાર આવતા વિવાદ સર્જાયો છે. વિપક્ષે કહ્યું કે, કોઇ પણ નિતી બધા માટે હોવી જોઇએ. ખાનગી ખેતરમાં નાળા કરી આપવા હોય તો બધાને કરી આપવા જોઇએ. આમાં પોતાના સબંધ સાચવવા અને ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવા ખાનગી ખેતરમાં નાળા કરી અપાય છે. ખાનગી ખેતરમાં નાળા કરવાનો ખર્ચ રૂપિયા 70 હજારથી લઇ એક લાખની અંદર થાય છે. જેની સામે જિલ્લાના કેટલાક સદસ્યો પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી રહ્યા છે. વિવાદ છતાં જિલ્લા પંચાયતના પ્રમુખ સબસલામત હોવાનો દાવો કરે છે. બીજીબાજુ જિલ્લામાં ગેરરિતીની વધતી ફરિયાદો સામે ડીડીઓએ ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ સોંપી છે. ત્રણ ડેપ્યુટી ડીડીઓને અલગ અલગ તાલુકાની તપાસ સોંપી છે. જેમાં ગેરરિતી પણ બહાર આવી છે. પરંતુ વગદાર સદસ્યોના ડરથી ડે.ડીડીઓ પારદર્શક કામગીરી કરતાં કે કોઇ માહિતી આપતાં અચકાતા હોવાનું મનાય છે. વિપક્ષે દાવો કર્યો છેકે, ઉચ્ચકક્ષોથી તપાસ થાય તો જિલ્લામાં પેવર બ્લોકથી લઇ નાળાના કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.










