સોનીઓ પાસે ખંડણી માગનાર વિશાલ ગોસ્વામી ગેંગ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2015માં ગુનો નોંધીને ધરપકડ કરી હતી. આ કેસમાં રિન્કુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજવીર ગોસ્વામી સહિત સાત આરોપીઓ પલાયન થઇ ગયા છે. દસ વર્ષ સુધી આરોપીઓ ન મળતા આ મામલે કોર્ટે ક્રાઇમ બ્રાન્ચ જેસીપીને ટીમ બનાવી તપાસ કરી આરોપીઓને ઝડપી લેવા અમદાવાદની સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવેલ ટીમે નાસતા ફરતા આરોપીઓ અંગે શુ તપાસ કરી તેનો રિપોર્ટ આગામી 18 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજૂ કરવા કોર્ટે નિર્દેષ આપ્યો છે.
વિશાલ ગોસ્વામી અને તેના સભ્યો સામે વર્ષ 2015માં ક્રાઇમ બ્રાન્ચે ગેંગનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે તપાસ કરી 13થી વધુ આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની સામે ચાર્જશીટ પણ કરી હતી. બાદમાં આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો છે. ત્યારે આ કેસમાં અમૂક આરોપીઓ પલાયન થઇ ગયા છે જેથી કેસ પર અસર પડી રહી છે. ત્યારે સેશન્સ કોર્ટે આરોપી રિન્કુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજવીર ગોસ્વામી, જયપુરી રવીન્દ્રપુરી ગોસ્વામી, મનિષ શ્રીનિવાસ ગોસ્વામી, ગૌરવસિંગ મોહનસિંગ તોમર, રતનામસિંગ ઉર્ફે સીન્ગી ચિખલીકર, વિષ્નુ રામજીલાલ શર્મા, ગોવિંદ ઉર્ફે ગોવિંદા સિરકરવાર મળી ન આવતા તેમને ઝડપી લેવા નિર્દેષ આપ્યો છે.










