અમદાવાદની સુપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસે સઘન કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન અગાઉ શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા અને કોમી વૈમનસ્ય (વેરભાવ) ફેલાવવાની પ્રોફાઈલ ધરાવતા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા ખાસ રડાર પર લેવામાં આવ્યા છે.
રથયાત્રા રૂટ પર ડ્રોનથી નજર અને હથિયારો જપ્ત
ક્રાઈમ બ્રાન્ચે કોમી રીતે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં મોડી રાત સુધી સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા મકાનોના ધાબાઓ પર ડ્રોન કેમેરાની મદદથી તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. આ કડક ચેકિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં પણ મોટી સફળતા મેળવી છે, જેમાં પોલીસે 9 ગેરકાયદેસર ઘાતક હથિયારોના જથ્થા સાથે 5 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
