અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને અંદાજે 100 જેટલા શકમંદોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઈવના અંતે કાયદેસરના દસ્તાવેજો વગર રહેતા કુલ 61 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કયા વિસ્તારોમાંથી કેટલા નાગરિકો ઝડપાયા?
ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ એસીપીના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવ દરમિયાન પકડાયેલા 61 બાંગ્લાદેશીઓમાં 40 મહિલાઓ, 16 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશી નાગરિકો મુખ્યત્વે શહેરના દાણીલીમડા, નારોલ, ઓઢવ તેમજ નિકોલના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આમાંથી અમુક મહિલાઓ સ્પા (Spa) ના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને અલગ-અલગ સમયે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
