65 લોકોને બચાવવામાં આવ્યા : યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડમાં ચશોટી ગાંવ ખાતે ગુરુવારે બપોરે 12.30 કલાકની આસપાસ આભ ફાટયું હતું જેને કારણે ભારે તારાજી સર્જાઈ હતી અનેક લોકો તૂટી પડેલા પહાડનાં કાટમાળ તેમજ ભારે પૂરમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત થયા હતા. 65લોકોને મહામહેનતે બચાવાયા હતા અને 200લોકો હજી લાપતા હોવાનું જાણવા મળે છે. 300થી વધુ શ્રદ્ધાળુઓ અહીં મચૈલ માતાનાં દર્શને આવ્યા હતા ત્યારે જ આભ ફાટતા દુર્ઘટના બની હતી. કિશ્તવાડનાં પડ્ડર સબ ડિવિઝનમાં આવેલા ચશોટી ગાંવ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે જ આભ ફાટયું હતું. જ્યાંથી યાત્રા શરૂ થવાની હતી તે પડાવ પર સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ, બસો, ટેન્ટ અને લંગર તેમજ દુકાનો આવેલી હતી જે પૂરના પાણી અને કાટમાળમાં તણાઈ ગઈ હતી. અહીં મચૈલ માતાની જાત્રા દર વર્ષે ઓગસ્ટમાં યોજાય છે. આ યાત્રા 25મી જુલાઈથી 5 સપ્ટેમ્બર સુધી ચાલતી હોય છે. મચૈલ માતાની યાત્રા હમણા સ્થગિત કરવામાં આવી છે. કિશ્તવાડમાં ખરાબ મોસમને કારણે હવામાન ખાતા દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. સત્તાવાળાઓ દ્વારા લોકોને બચાવીને સલામત સ્થળે લઈ જવા તાકીદનાં પગલાં લેવાયા છે. ગુમ થયેલા લોકોને શોધવા અભિયાન હાથ ધરાયું છે. આ હોનારતે તાજેતરમાં ઉત્તરાખંડમાં ઘરાલીમાં બનેલી આભ ફાટવાની ઘટનાની યાદ અપાવી હતી.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાને સંવેદના દર્શાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ આ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરીને પ્રભાવિત લોકો તરફ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનામાં CISFનાં એક જવાનનું મોત થયું છે જ્યારે અન્ય 3 જવાન લાપતા છે. આ તમામ જવાનો અહીં મંદિરની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

અમિત શાહે ઓમર અબ્દુલ્લા સાથે સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે કિશ્તવાડમાં થયેલી દુર્ઘટના અંગે જમ્મુ-કાશ્મીરનાં સીએમ ઓમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાહત અને બચાવ કામગીરીની વિગતો જાણી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહાયની ખાતરી આપી હતી. પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે પણ સ્થિતિની સમીક્ષા કરીને રાહત અને બચાવ કાર્ય માટે તમામ પગલાં લેવા આદેશો આપ્યા હતા. આ ઉપરાંત એનડીઆરએફની વધારાની ટીમને પણ સાધનસામગ્રી સાથે મોકલવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

હિમાચલમાં પાંચ સ્થળે વાદળ ફાટતા તારાજી, અનેક વાહનો તણાયા

દેશનાં ઉત્તરનાં રાજ્યો ઉત્તરાખંડથી લઈને બિહાર અને ઓડિશા સુધી આસમાની આફતે તારાજી સર્જી હતી. હિમાચલપ્રદેશમાં પાંચ સ્થળે વાદળ ફાટતા ઠેરઠેર તારાજીનાં દ્રશ્યો સર્જાયા હતા. સિમલા અને લાહોલ સ્ફિતિમાં કેટલાક પુલ તણાઈ ગયા હતા. ભારે પૂરમાં અનેક વાહનો પણ તણાયા હતા. બે નેશનલ હાઈવે સહિત 365 રસ્તાઓ બંધ થતા અનેક જગ્યાએ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. કુલુ, કિન્નોર, લાહોલ, સ્ફિતિ તેમજ સિમલામાં કેટલાક પુલ તેમજ વાહનો તણાઈ ગયા હતા. મકાનો અને દુકાનો તૂટી ગયા હતા. સરકારી તેમજ ખાનગી મિલકતોને ભારે નુકસાન થયું હતું. સત્તાવાળાઓ દ્વારા હજારો લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા. રાજ્યમાં વરસાદ અને કુદરતી આફતોને પગલે અત્યાર સુધીમાં રાજ્યનો રૂ. 2,031 કરોડનું નુકસાન થયું હતું. ઉત્તરનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી બેથી 3 લાખ લોકો પ્રભાવિત થયા હતા.


  • Follow us on: