અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનની કામગીરી નિર્ધારિત સમય કરતાં બમણાથી વધુ સમય લંબાતાં મોટો વિવાદ ઊભો થયો છે. જે કામગીરી 24 મહિનામાં પૂર્ણ કરવાની હતી તે આખરે 50 મહિને પૂરી થઈ હતી. આ વિલંબ બાદ અધિકારીઓએ ભાવવધારો આપવા માટે માગણી કરી હતી. રોડ કમિટી ચેરમેને આ મામલે ગંભીર સવાલો ઉઠાવી ખુલાસો માગ્યો છે.

કામગીરી સમયસર પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ 

અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણ અને બાંધકામની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. નિર્ધારિત સમયમર્યાદા અનુસાર આ પ્રોજેક્ટ ફક્ત 24 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ થતાં પૂરા 50 મહિના જેટલો લાંબો સમય લાગી ગયો હતો.

26 મહિના જેટલો અસાધારણ સમય વધુ વીતી ગયો 

નિર્ધારિત મુદત કરતાં 26 મહિના જેટલો અસાધારણ સમય વધુ વીતી ગયો હોવા છતાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે સમયવધારો મંજૂર કરવા તથા વધારાનો ભાવવધારો આપવા માટેની માગણી સામે લાવવામાં આવી હતી. મહત્વનું છે કે સંબંધિત અધિકારીઓએ કન્સલ્ટન્ટના અભિપ્રાયને આગળ ધરીને સમયવધારો આપવાની ભલામણ કરી હતી.

અધિકારીઓ સામે આકરા સવાલો 

પ્રોજેક્ટમાં થયેલા આ આંધળા વિલંબ અને ખર્ચ વધારાની દરખાસ્ત સામે આવતાં જ રોડ કમિટીની બેઠકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રોડ કમિટી ચેરમેને આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને અધિકારીઓ સામે આકરા સવાલો કર્યા હતા કે આખરે કોની બેદરકારી કે ભૂલના કારણે કામગીરીમાં આટલો મોટો સમય વધારે ગયો છે. 

ભાવમાં થયેલો વધારો કોની ભૂલ

આ ઉપરાંત પ્રોજેક્ટ દરમિયાન થયેલા સમયના વિલંબને કારણે સ્ટીલ અને લોખંડના ભાવમાં થયેલો વધારો કોની ભૂલના કારણે ચૂકવવાનો થાય છે તે અંગે પણ સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો હતો. કમિટીએ આ મામલે કન્સલ્ટન્ટના અભિપ્રાયને ફગાવી દઈને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે હવે કન્સલ્ટન્ટનો નહીં પરંતુ જવાબદાર DYMCનો જ સત્તાવાર અભિપ્રાય રજૂ કરવામાં આવે, જેથી જવાબદારી નક્કી કરી શકાય અને જવાબદાર સામે યોગ્ય પગલાં ભરી શકાય. 


આ પણ વાંચો    :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..