રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સુરક્ષા, સલામતી અને શિસ્ત જાળવી રાખવા માટે અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રવેશ અંગેના પરિપત્રની અમલવારી હવે વધુ સઘન બનાવવામાં આવી છે. આ સંદર્ભમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. DEO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાળાઓમાં કોઈપણ પ્રકારની અનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર અટકાવવા માટે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, તેની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

મુલાકાતીઓ માટે રજિસ્ટર મેન્ટેઇન કરવું અનિવાર્ય

અમદાવાદની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ શાળા પરિસરમાં પ્રવેશતા દરેક બહારના વ્યક્તિની સંપૂર્ણ નોંધ રાખે. આ માટે સ્કૂલોમાં 'વિઝિટર રજિસ્ટર' (મુલાકાતી રજિસ્ટર) ફરજિયાતપણે મેન્ટેઇન કરવાનું રહેશે, જેથી શાળામાં કોણ આવી રહ્યું છે અને કયા કારણસર આવી રહ્યું છે તેની પારદર્શિતા જળવાઈ રહે. અગાઉ વગર પરવાનગીયે થતી મુલાકાતો અને અસંબંધિત લોકોના પ્રવેશના કારણે શૈક્ષણિક કાર્યમાં થતી ખલેલને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.

ગેરવર્તન કે ગેરકાયદેસર પ્રવેશ પર સીધી DEO ઓફિસને જાણ કરવા આદેશ

DEO દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો શાળા પરિસરમાં કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે, હોબાળો મચાવવામાં આવે કે સ્ટાફ કે વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરવામાં આવે, તો શાળાઓએ તાત્કાલિક ધોરણે તેની જાણ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને કરવાની રહેશે. આ કડક સૂચનાઓથી શાળાઓમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે અને શૈક્ષણિક પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી શકશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : ઓક્ટોબરમાં પણ અસહ્ય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ, રાજકોટમાં મહત્તમ તાપમાને તોડ્યા તમામ રેકોર્ડ્સ