વરસાદ વચ્ચે પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.


નિકોલમાં આવેલા ભક્તિ સર્કલ અને તેના આસપાસના વિસ્તારોમાં આવેલા ફ્લેટો અને બંગલાઓ તેમજ અમર જવાન સર્કલથી ગંગોત્રી સર્કલ બાજુના મકાનોમાં છેલ્લા 10 દિવસથી પ્રદૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે અગાઉ પમ્પિંગ સ્ટેશન પર રજૂઆત કરવામાં આવી ત્યારે થોડાં દિવસમાં થઈ જશે તેવું કહી સ્થાનિકોને સાંત્વના આપવામાં આવી હતી, પરંતુ કામગીરી ન થતાં લોકોએ ફરીથી બોરના પાણી ખેંચી કામ ચલાવવાનો વારો આવ્યો છે જેના કારણે લોકોમાં તહેવાર તાણે જ રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે.

આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નિકોલમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. પમ્પિંગ સ્ટેશન તૈયાર થવામાં બે વર્ષની સમયમર્યાદા હોવા છતાં 3 વર્ષ જેટલો સમય બાદ લોકોને પીવાનું પાણી અને કનેકશન મહામહેનતે મળ્યું હતું. ઉપરાંત વરસાદની સિઝનમાં પીવાનું પાણી પ્રદૂષિત આવી રહ્યું છે. જેના કારણે ગંગોત્રી સર્કલથી અમર જવાન સર્કલ સુધીના રહેવાસીઓએ ફરી બોરના પાણી પર આધાર રાખવો પડી રહ્યો છે. એટલું જ નહીં જ્યાં એક તરફ કોર્પોરેશન દ્વારા પાણીનો ટેક્સ વસુલવામાં આવે છે ત્યાં લોકોને પ્રદૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો ઉભી થઈ છે. તેમજ તહેવારોમાં લોકો પ્રદુષિત પાણી પીવાના કારણે બિમાર થઈ રહ્યા છે, પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી. અગાઉ સ્થાનિકો દ્વારા પમ્પિંગ સ્ટેશન પર પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ તેમના દ્વારા સાંત્વના અપાઈ હતી કે, થોડાં સમયમાં લાઈન ક્લિયર થતાં સાફ પાણી મળશે. હજી સુધી તેનો નિકાલ થયો નથી. આથી ચોમાસામાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે તંત્ર તાકીદે કામગીરી કરે તેવી જ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં સફાઈ માટેની ફરિયાદ મળતાની સાથે જ સૂચના આપવામાં આવી છે. જેના પર આગામી દિવસોમાં કામગીરી પણ કરવામાં આવશે. ગટર અને પાણીની લાઈન મિક્સ થવાની કે અન્ય કોઈ પણ પ્રકારની સ્થિતિ હાલમાં લાગી રહી નથી. જેના પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


  • Follow us on: