અમદાવાદ શહેરમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતી અને બેફામ બનેલા નશાખોરોની લાપરવાહી દર્શાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ગુરુકુલ અને વસ્ત્રાપુર પંથકમાં પ્રાઇવેટ બેન્કના એક બ્રાન્ચ મેનેજરે દારૂના નશામાં ચૂર થઈને હાઇવોલ્ટેજ ડ્રામા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ગુરુકુલથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સુધી એક્ટિવા ઘસડતો રહ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, એક્સિસ બેન્કનો એક બ્રાન્ચ મેનેજર ભારે નશાની હાલતમાં પોતાનું એક્ટિવા લઈને નીકળ્યો હતો. તેણે ગુરુકુલ વિસ્તારથી લઈને દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધીના લાંબા અંતર સુધી એક્ટિવાને ચલાવવાને બદલે રસ્તા પર ઘસડીને અજીબોગરીબ હરકતો કરી હતી. નશામાં ધૂત ચાલકની આ બેજવાબદાર હરકતના કારણે રોડ પર પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના પ્રાણ જોખમમાં મુકાયા હતા. વાહનને ઘસડવાને કારણે રસ્તા પર અવાજો અને ઘર્ષણને કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા.
