અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડના એક અત્યંત ચોંકાવનારા કેસમાં સ્પેશિયલ PMLA (પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરવામાં આવી છે. સીબીઆઈ (CBI) અને પોલીસ અધિકારી બનીને બે નિર્દોષ વરિષ્ઠ નાગરિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ED ની તપાસમાં ખુલાસો થયો છે. ED ની આ આકરી કાયદાકીય કાર્યવાહીથી સાયબર ઠગો અને નાણાંની હેરાફેરી કરતી સિન્ડિકેટમાં કંપારી છૂટી ગઈ છે.
CBI અને પોલીસ અધિકારી બની રૂ.2.95 કરોડ પડાવાયા
તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ઠગોએ બે વૃદ્ધોને મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નામ હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ઠગોએ ખોટી ધરપકડની ધમકી આપીને બે વૃદ્ધો પાસેથી અનુક્રમે રૂ. 1.15 કરોડ અને રૂ. 1.80 કરોડ (કુલ રૂ. 2.95 કરોડ) મ્યુલ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પ્રાથમિક તપાસમાં 'Quality Fruit Traders' અને 'Shivam Charitable Trust' ના નામે ખોલેલા બેંક ખાતાઓનો આ ઠગાઈ માટે મુખ્યત્વે ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે.
