અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા હાયર સેકન્ડરી સ્કૂલ સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ ગેરરીતિઓ સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

15 વર્ષથી રમતનું મેદાન જ નહોતું

સ્કૂલમાં છેલ્લા 15 વર્ષથી રમતનું મેદાન ઉપલબ્ધ ન હોવાની બાબત સામે આવી છે. આ ઉપરાંત સ્કૂલમાં ફાયર સેફ્ટી સંબંધિત વ્યવસ્થાઓ અને લેબમાં પણ નિયમોનું પાલન ન થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

શિક્ષણ વિભાગની તપાસ બાદ કડક કાર્યવાહી

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસના અહેવાલના આધારે સમગ્ર મામલો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બોર્ડની કારોબારી સમિતિના નિર્ણયના આધારે સ્કૂલની માન્યતા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હતી સ્કૂલ

મણિનગરની એજ્યુનોવા હાયર સેકન્ડરી સ્કૂલનું સંચાલન શ્રી મેડિકલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું. સ્કૂલમાં વિવિધ નિયમોના પાલન અંગેની તપાસ બાદ શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે.

180 વિદ્યાર્થીઓનું શું થશે?

માન્યતા રદ થતાં સ્કૂલમાં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

15 વર્ષ બાદ કેમ જાગ્યું તંત્ર?

આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે જો સ્કૂલમાં વર્ષોથી રમતનું મેદાન, ફાયર સેફ્ટી અને લેબ સંબંધિત અનિયમિતતાઓ હતી, તો આ બાબતો સામે કાર્યવાહી કરવામાં 15 વર્ષ કેમ લાગ્યા? હવે માન્યતા રદ થયા બાદ જવાબદારી અને અગાઉની તપાસ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.  


આ પણ વાંચો  : Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!