ઓઢવમાં આવેલ શ્રીધર સ્પર્સ ફ્લેટમાં રહેતી મહિલાઓ ફ્લેટમાં આવેલ મંદિરમાં સ્પીકર લગાવી ભજન કીર્તન કરતા હતા. આ દરમ્યાન મંદિર નજીકના ફ્લેટમાં જ રહેતા સ્થાનિકને ન ગમતા તેઓ ભજન કિર્તન બંધ કરાવવા માટે પહોંચ્યા હતા. આ દરમ્યાન વૃદ્ધ મહિલાઓ અને સ્પીકર બંધ કરાવવા આવેલા પરિવારના બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. થોડી જ વારમાં સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ લીધું જેમાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે ફ્લેટના રહીશોનું ટોળું ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે એક મહિલા સહીત ચાર લોકો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.


ઓઢવના સિંગરવા રોડ પાસે આવેલી શ્રીધર સ્પર્સ ફ્લેટમાં મંદિરમાં શુક્રવારે બપોરે કેટલીક મહિલાઓ અને સ્થાનિક વૃદ્ધાઓ ભેગા થઈને ભજન-કીર્તન કરી રહ્યા હતા. ત્યારે ભજનમાં સ્પીકરનો અવાજ બંધ કરાવવા એક મહિલા અને તેના પરિવારના સભ્યો આવ્યા અને સ્પીકર બંધ કરી દીધું હતું. જેને લઇને ભજન કરી રહેલા લોકોએ સ્પીકર કેમ બંધ કર્યું કહેતા મહિલા અને તેના પરિવારના લોકોએ ભજન મંડળીની મહિલાઓ સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. જેમાં 45 વર્ષીય ભારતી બેન પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકો પોલીસને જાણ કરતા ઓઢવ પોલીસનો સ્ટાફ્ ઘટના સ્થળે દોડી આવ્યો અને મામલો થાળે પડાવ્યો હતો. આ અંગે ભારતીબેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં કિંજલબેન પટેલ, અલ્પેશકુમાર પટેલ, દેવ પટેલ અને અંકિત પટેલ સામે ફરીયાદનોધાવતા પોલીસે ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: