ઇસનપુરમાં રહેતા નિવૃત બેન્કકર્મી વૃદ્ધને વોટ્સએપ નંબર પર ફોરેશ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી રૂપિયા બમણા થવાની લાલચમાં વૃદ્ધે રૂ.2 લાખ ગઠીયાએ આપેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાદમાં વૃદ્ધે રોકાણ અંગેની જાણ દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
ઇસનપુરમાં રહેતા 65 વર્ષીય મહેન્દ્રસિંહ રાવલજી 15 દિવસ અગાઉ વૃદ્ધના વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી રોકાણ કરીને વધુ નફો મેળવવાની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. આ બાબતે વૃદ્ધે તપાસ કરતા ફોરેશ ઈન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો મળવાની જાહેરાત મેસેજ કરવામાં આવી હતી. બમણા નફાની લાલચમાં આવી બેઠેલા વૃદ્ધે વોટ્સએપમાં મેસેજ કરતા સાયબર ગઠીયાએ શ્રી ગણેશ ટ્રેડીંગ કંપનીનો એકાઉન્ટ નંબર આપ્યો અને તેમાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધે દીકરો ઘરે આવ્યો અને તેને આ રોકાણ અંગે જાણ કરતા દીકરાએ પિતાને કહ્યું કે આ ઠગાઈ આચરવાનો નવો કીમિયો છે. જે બાદ સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વૃધ્ધે અજાણ્યા ગઠિયા સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.










