અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા અને પોતાના સહિત અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મુકતા સ્ટંટબાજોનો વધુ એક આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ખતરનાક સ્ટંટ અન્ય ક્યાંય નહીં પરંતુ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામેના જાહેર રોડ પર જ કરવામાં આવ્યો હતો. ખાખીના ખોફ વગર મોડી રાત્રે રસ્તા પર ખુલ્લેઆમ હાથ ધરાયેલા આ સ્ટંટના વિડીયોથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
યુવકને ખભા પર બેસાડી ભયજનક રીતે ચલાવ્યું બાઇક
વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મોડી રાત્રિના સમયે એક યુવકે અન્ય એક યુવકને પોતાના ખભા પર બેસાડીને અત્યંત જોખમી રીતે પૂરપાટ ઝડપે બાઇક ચલાવ્યું હતું. જાહેર રસ્તા પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારનો સ્ટંટ કરીને વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવનો વિડીયો પાછળથી આવી રહેલા કોઈ વાહનચાલકે પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

