આગામી તા. 27 જૂન, શુક્રવારે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા નીકળશે. જેમાં શણગારેલા ગજરાજ મુખ્ય આકર્ષણ હોય છે.


રથયાત્રાના ત્રણ દિવસ પહેલાથી ગજરાજ રથયાત્રામાં જોડાઇ શકે કે કેમ ? તે અંગેનો રિપોર્ટ પોલીસ કમિશનરને આપવાનો હોય છે. તમામ ગજરાજના ફિટનેશ સર્ટી. ઇશ્યૂ થયા બાદ પોલીસ કમિશનર તેને રથયાત્રામાં જોડાવાની મંજૂરી આપતા હોય છે. આ એક સુરક્ષાલક્ષી પ્રક્રિયા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ સક્કરબાગ ઝૂ, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક, રાજ્ય સરકારનું પશુપાલન ખાતું અને અમદાવાદ વન વિભાગની ટીમો રથયાત્રા પૂર્વે અને રથયાત્રા દરમિયાન ગજરાજનું સતત નિરીક્ષણ, સુરક્ષા, સંભાળ રાખવાની જવાબદારી નિભાવતા હોય છે. સામાન્ય રીતે દર વર્ષે 15 થી 18 જેટલા ગજરાજ રથયાત્રામાં અગ્ર હરોળમાં સામેલ થઇ શોભા વધારતા હોય છે.

ગજરાજ જગન્નાથ મંદિર જમાલપુરના, આણંદ, વડોદરાથી આવતા હોય છે. રથયાત્રા દરમિયાન ગજરાજની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હોય છે. આગળ અને પાછળ પાંચ ટીમો તેની રક્ષા કરતી અને દેખરેખ રાખતી હોય છે. રથયાત્રા દરમિયાન ગજરાજને કંઇ ખવડાવવું ન જોઇએ, પૈસા હાથીની સૂંઢમાં આપવા ન જોઇએ, પૈસા મહાવતને આપી દેવા જોઇએ, હાથીની નજીક જવું ન જોઇએ કારણકે ધક્કામુક્કીમાં હાથીના પગ નીચે આવી જવાની પુરેપુરી સંભાવના રહેલી છે. પૈસાના સિક્કા હાથી તરફ છૂટ્ટા ફેંકવા ન જોઇએ. જો સિક્કો રોડ પર ઉભો રહી જાય તો તે હાથીના પગમાં ખૂંપી જવાનો અને પગ લોહાલુહાણ થઇ જવાની શક્યતા રહેલી છે. ભૂતકાળમાં આવો બનાવ બનેલો છે. હાથી ભડકે તેવી હરકતો પણ ન કરવી જોઇએ.

નર હાથી મસ્ત હોય તો તેને રથયાત્રામાં સામેલ કરાતો નથી !

નર હાથીના આંખ-કાન વચ્ચેની ટેમ્પોરલ ગ્રંથીમાંથી રસ ઝરે તો તેને રથયાત્રામાં ભાગ લેવા દેવામાં આવતો નથી. આ ગ્રંથીમાંથી રસ ઝરે તો હાથી મસ્ત હોય છે. તે ગાંડો થવાની પુરેપુરી સંભાવના રહેલી હોય છે. ત્રણ દિવસની ચકાસણીમાં પાંચ ટીમો દ્વારા હાથીઓના ખોરાક, તેની ચાલ, શારીરિક ક્ષમતાઓ, સાયકોલોજિકલ સ્થિતિ વિશે બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવે છે. હાથીનું તાપમાન પણ તપાસવામાં આવે છે. માણસનું તાપમાન સામાન્ય રીતે 98 થી 99 ડિગ્રી ફેરનહીટ હોય છે. જ્યારે હાથીનું તાપમાન 96 ડિગ્રી ફેરનહિટ હોય છે જો તેનાથી વધુ તાપમાન હોય તો પણ હાથીને રથયાત્રામાં ભાગ લેવા દેવાતો નથી.


  • Follow us on: