કુબેરનગરમાં જૂના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ યુવકને બીભત્સ ગાળો બોલીને ફ્ટકાર્યો હતો. બાદમાં તેને ચપ્પુના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકે ચારેય શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
કુબેરનગરમાં રહેતા જયનેશ ઠાકોર મજૂરી કામ કરે છે. ગત 12 નવેમ્બરે રાત્રીના સમયે તે જમવા બેઠા હતા ત્યારે રાહુલ કાટોડીયા ઘરની બહાર આવીને ઉંચા અવાજે જયનેશને બહાર બોલાવીને નજીકમાં આવેલ મંદિરે લઇ ગયો હતો. ત્યાં ઘેલો ભરવાડ અને શૈલેષ ભરવાડ ઉભા હતા. બાદમાં ત્રણેયે તેને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો અને સાંઢો ભરવાડ નામના વ્યક્તિ પાસે લઇ ગયા હતા. ચારેય શખ્સોએ ભેગા મળીને જૂના ઝઘડાની અદાવતમાં જયનેશને 'તુ બહુ અભિમાની થઇ ગયો છે, પોતાને શુ સમજે છે' કહીને બીભત્સ ગાળો બોલીને લાકડીથી ફ્ટકાર્યો હતો. બાદમાં ઝઘડો વધતા તેને ચપ્પુના ઘા મારીને ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જેથી જયનેશ લોહિલુહાણ ઘરે જતા પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે જયનેશે ચારેય શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










