અમદાવાદ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મંડપોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં ઇમરજન્સી એક્ઝિટથી માંડીને ફાયર એસ્ટિંગવિશર સહિતની સુવિધાઓ ફરજિયાત રાખવાની રહેશે.આ ઉપરાંત, ફાયર એનઓસી હશે તો જ ગણેશ પંડાલને પોલીસ મંજૂરી આપશે.
મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાય
ગણેશ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર સહિતની તમામ બાબતોને પોલીસ કમિશનરના જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. જેમાં સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન તથા રેલવે લાઇનથી દૂર ગણેશ પંડાલ બનાવી શકાશે.ઇમરજન્સી વખતે ફાયર, એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો સરળાથી નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લાઓ રાખવાના રહેશે. આ સિવાય,મંડપની ક્ષમતા પ્રમાણે જ પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવાની રહેશે. સીટીંગ વ્યવસ્થામાં 10 સે અને 10 બેઠક બાદ ઓછામાં ઓછો 1.5 મીટરનો પેસેજ રાખવો પડશે. મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાય.
