અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને સુખાકારીને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શહેરના અનેક બગીચાઓ અને તળાવો હજુ પણ સીસીટીવી કેમેરાની નજરથી તદ્દન વંચિત છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખાયો
ખાસ વાત એ છે કે ખુદ AMCની રિક્રિએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખરચરીયા દ્વારા સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખવામાં આવ્યો હોવા છતાં, મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ મામલે અત્યંત મંથરગતિએ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
માત્ર 122 ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં કુલ 311 ગાર્ડન આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 122 ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કેમેરામાંથી હાલ કેટલા ચાલુ છે અને કેટલા બંધ હાલતમાં છે, તેની કોઈ પણ સ્પષ્ટ અધિકૃત માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી.
https://twitter.com/sandeshnews/status/2086707140966953464
101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ
આ ઉપરાંત, શહેરમાં નવા બનેલા 101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ૧૫૬ જેટલા તળાવો પર કેમેરા લગાવવાનું આયોજન માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે.
હજારો લોકો મુલાકાત લે છે
દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને બાળકો ફરવા માટે ગાર્ડન અને તળાવોની મુલાકાતે આવે છે. ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અત્યંત અનિવાર્ય હોવા છતાં AMC તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા જો આ બાબતે વહેલી તકે કડક પગલાં નહીં ભરાય, તો નાગરિકોની સુરક્ષા સામેનું જોખમ વધુ વધી શકે તેવી દહેશત છે.
આ પણ વાંચો : Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?