દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નજીક આવતા જ શહેરોમાં રહેતા લોકો પોતાના વતન તરફ જવા માટે આતુર બન્યા છે. અમદાવાદ શહેરમાંથી તહેવાર મનાવવા માટે પોતાના વતન ગામે જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય એવા ગીતા મંદિર ST બસ સ્ટેશન ખાતે વહેલી સવારથી જ મુસાફરોનું ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેના કારણે ડેપો પર ચારેબાજુ લોકો જ લોકો નજરે પડી રહ્યા છે.

ગીતા મંદિર ST ડેપો પર ખીચોખીચ ભીડ

દિવાળીના તહેવાર પર રજાઓ પડતા જ નોકરી કરતા યુવાનો, વેપારીઓ અને પરિવારો પોતાના વતન જવા માટે ગીતા મંદિર ST ડેપો પર પહોંચ્યા હતા. ડેપો પર મુસાફરોની ભારે ભીડના કારણે અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું હતું. પ્લેટફોર્મ પર આવતી બસોમાં સીટ મેળવવા માટે મુસાફરો વચ્ચે ભારે પડાપડી અને ધક્કામૂકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો પોતાના સામાન સાથે બસની રાહ જોતા લાંબી કતારોમાં ઊભેલા નજરે પડ્યા હતા.

વધુ એસ.ટી. બસો દોડાવવાની જરૂરિયાત

તહેવારોની સિઝનમાં અચાનક વધી ગયેલી મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે ST નિગમ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં અનેક રૂટ પર મુસાફરોની સંખ્યા ઘણી વધારે જોવા મળી રહી છે. લાંબી રાહ જોયા બાદ પણ સીટ ન મળવાને કારણે મુસાફરોમાં ચિંતા જોવા મળી છે. મુસાફરો અને આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વતન જવા માટે પ્રયાણ કરતા નાગરિકોની સુવિધા ખાતર વધુમાં વધુ વધારાની એસ.ટી. બસો ફાળવવામાં આવે જેથી કોઈને હાલાકીનો સામનો કરવો ન પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો