અમદાવાદ શહેરમાં માર્ગોની ખરાબ હાલત બાદ હવે ફ્લાયઓવર બ્રિજની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા ગોતા બ્રિજ પર મોટા ગાબડાં પડી ગયા છે અને બ્રિજની વચ્ચેથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ જોખમી સ્થિતિના કારણે હજારો વાહનચાલકો રોજીંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી અને અકસ્માતના ભયનો સામનો કરી રહ્યા છે.
ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ
ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ અને ખુલ્લા સળિયાઓને કારણે વાહનોના ટાયર ફાટવાનો અને ગંભીર અકસ્માત થવાનો સતત ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે દૃશ્યતા ઓછી હોવાથી દ્વિચકી વાહનચાલકો અને કાર સવારો આ ખાડાઓમાં ફસાઈને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. બ્રિજની શરૂઆત અને છેડાના ભાગે પણ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે, છતાં સત્તાધીશો અને જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
