મોંઘવારીના મારમાં પિસાતા મધ્યમવર્ગને ભરચોમાસે લીલા શાકભાજીના ભાવો આંખોમાં પાણી લાવી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં લીલા શાકભાજીના ભાવો ઘટતા હોય છે. પરંતુ હાલમાં સતત વરસાદ ચાલુ હોઈ વાવેતરને ફુલ ન બેસતા પૂરવઠો ઘટતા ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. લીલા શાકભાજીના ભાવોમાં સરેરાશ 100 ટકા સુધીનો વધારો થયો છે. ચોમાસામાં લીલા શાકભાજીના ભાવો 100 ટકા સુધી વધી ગયા હોવાની ગૃહિણીઓ હૈયાવરાળ ઠાલવી રહી છે.
લીલા શાકભાજીના ભાવો વધતાં થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ રહ્યા છે. હોટેલો તેમજ રેસ્ટોરાંમાં પણ લીલા શાકભાજીના બદલે બટાકા અને કઠોળને સ્થાન આપવાની સંચાલકોને ફરજ પડી રહી છે. છેલ્લા 10 દિવસમાં જ લીલા શાકભાજીના ભાવોમાં સરેરાશ 100 ટકાનો વધારો થયો છે. ભાવોમાં થયેલા વધારા પાછળના કારણો આપતાં હોલસેલ વેપારીઓ કહે છે કે, ચોમાસામાં જિલ્લામાં શાકભાજીનું સારું વાવેતર થયું છે. પરંતુ છેલ્લા પચ્ચીસેક દિવસોથી વરસાદ સતત ચાલુ છે. વાદળછાયું વાતાવરણ છે. સતત વરસાદ પડતાં વાવેતરના ફુલ ખરી પડવાની કે ફુલ ન બેસવાની સમસ્યા આવે છે. જેથી ખેતરોમાંથી માલ બજારોમાં આવી રહ્યો નથી. સપ્લાય ઘટી ગયો છે.










