ભરૂચમાંથી ગુમ થયેલી નવ વર્ષની બાળકીને શોધવામાં પોલીસ, સીઆઇડી ક્રાઇમ સહિતની તપાસ એજ્ન્સીઓ નિષ્ફ્ળ રહેતાં ગુજરાત હાઇકોર્ટે અગાઉ કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી પરંતુ સાડા ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાં બાળકીનો કોઇ પતો લાગ્યો નથી કે તેની ભાળ મળી નથી. સીબીઆઇએ બાળકીની બાયોલોજિકલ ઓળખાણ માટે યુઆઇડીએઆઇ તરફ્થી ડેટા અપાય તેવી માંગણી કરી હતી.


જો કે, હાઇકોર્ટે હાલના તબક્કે તેની પરવાનગી આપી ન હતી અને ગમે તેમ કરીને બાળકીને શોધી કાઢવાના અસરકારક પ્રયાસો ચાલુ રાખવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ રાખી હતી.

ગુમ થયેલી બાળકીની માતા તરફ્થી ગુજરાત હાઇકોર્ટમાં પોતાની પુત્રની ભાળ મેળવવા માટે હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, અરજદારની 9 વર્ષની પુત્રી તા.30-1-2022ના રોજ ભરૂચમાંથી ગુમ થઇ હતી, જેની ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસમથકમાં નોંધાવાઇ હતી. જો કે, પોલીસના પ્રયાસો છતાં બાળકી નહી મળતાં આ અરજી તેમને કરવી પડી છે.

આ કેસની અગાઉની સુનાવણી દરમ્યાન જે તે વખતે હાઇકોર્ટે ભરૂચ એસપી સહિતના સત્તાવાળાઓને બોલાવી ખુલાસો માંગ્યો હતો પરંતુ બાળકીની ભાળ મળ્યાનું કોઇ ફ્ળદાયી પરિણામ મળ્યુ ન હતું. પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડ અને સીઆઇડી ક્રાઇમની પણ મદદ લીધી હતી પરંતુ તેમછતાં બાળકીનો કોઇ પતો લાગ્યો ન હતો. આખરે ગુજરાત હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઇ કેસની તપાસ આખરે સીબીઆઇને સોંપી દીધી હતી. જે સીબીઆઇ દ્વારા દેશની પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બાળકી વિશે જાહેરાત આપવા ઉપરાંત, બાળ ગૃહો, અનાથાલયો સહિતના સંભવિત સ્થાનોએ તપાસ કરવા છતા બાળકી મળી ન હતી. છેવટે બાળકીની માહિતી આપનારને રૂ.10 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતુ અને સાથે સાથે ઇન્ટરપોલને પણ જાણ કરાઇ હતી. તો, દેશના દરેક રાજયોના ડીજીપીને પણ જાણ કરવામાં આવી હતી.


  • Follow us on: