અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ખાડામાં પડી જવાથી આધેડના થયેલા મોતનો મુદ્દો હવે સળગ્યો છે અને ગંભીર બેદરકારી બદલ માનવ અધિકાર આયોગે અમદાવાદ કોર્પોરેશન એટલે કે AMCને સમન્સ પાઠવીને હાજર રહેવા તાકીદ કરી છે. ઉલ્લેખનિય છે કે ઓઢવમાં એક આધેડનું ચાલુ વરસાદે ખાડામાં પડવાથી મોત થયુ હતુ જેની ગંભીર નોંધ લઇને માનવ અધિકાર આયોગે અમદાવાદ કોર્પોરેશનને જરૂરી તમામ દસ્તાવેજ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે. આયોગે 18 ઓગસ્ટે AMCને આયોગમાં હાજર થવા આદેશ કર્યો છે.
25 જૂને ઓઢવમાં આધેડનું મોત થયું હતું.
ઉલ્લેખનિય છે કે ગત 25 જૂને 53 વર્ષીય મનુભાઇ પંચાલ નામના આધેડ બાઇક લઇને ઓઢવ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ ગડર લાઇન માટે ખોદાયેલા ખાડામાં ખાબક્યા હતા અને ગંભીર ઇજા થવાના કારણે તેમનું મોત થયું હતું. આ મામલે માનવ અધિકાર કાર્યકર તરીકે કામ કરતા કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં પિટીશન કરી હતી કે આ મોત અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે થયું છે અને ગંભીર બેદરકારીના કારણે મૃતકના પરિવારને 1 કરોડનું વળતર મળવું જરુરી છે.
જો હાજર નહી રહો તો પગલાં લેવાશે
આયોગે આ મામલે અમદાવાદ કોર્પોરેશનના કમિશનરને સમન્સ પાઠવ્યું છે જેમાં જણાવાયું છે કે આ પિટીશનને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના અધિકારીઓએ હકિકતલક્ષી અહેવાલ સાથે રાખીને 18-08-2025ના રોજ હાજર રહેવું. જરુરી માહિતી અને દસ્તાવેજો સાથે અચુક હાજર રહેવા જણાવાયું છે તથા કાબુ બહારના વ્યાજબી કારણેો વગર અને આયોગને વહેલી જાણ કર્યા વગર જ આયોગ સમક્ષ હાજર રહેવા ચૂક કરશો તો તમારી સામે સિવીલ પ્રોસિજર કોડ 1908ના ઓર્ડર 16ના નિયમો 10 અ અને 12 તળે પગલા લેવામાં આવશે.
રાજ્યમાં ઠેર ઠેર ખાડા રાજ
ઉલ્લેખનિય છે કે ચોમાસામાં અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિતના તમામ મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તારમાં વરસાદમાં મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને ચોમાસામાં પપણ કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી અને ગટરના કામો ચાલુ જ રાખવામાં આવે છે જેથી વરસાદમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને ખ્યાલ જ આવતો નથી કે ક્યાં ખાડા પડેલા છે. ભ્રષ્ટાચારના કારણે રોડ પર સતત ખાડા પડી જાય છે અને ખાડામાં પડી જવાથી લોકોને ગંભીર ઇજા થાય છે કાં તો મૃત્યું પણ થાય છે અને માનવ અધિકાર આયોગ સમક્ષ જ્યારે આ પિટીશન કરાઇ છે ત્યારે કોર્પોરેશનને પણ સબક મળશે