ખાડિયામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી સાથે લગ્ન કરવા ઓનલાઇન જ્યોતિષનો સહારો લીધો હતો. જેમાં જ્યોતિષે તાંત્રિક વિધિ કરવાના બહાને યુવક પાસેથી કુલ રૂ. 6.07 લાખ પડાવી લીધા હતા અને કોઇ કામ કર્યુ ન હતુ. જેથી યુવકે રૂપિયા પરત માંગતા ગલ્લા તલ્લા કરતો હતો અને ફોન ઉપાડતો ન હતો. કંટાળીને યુવકે ગઠિયા સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીને બાપુનગરથી ઝડપી પાડયો છે.


ખાડિયામાં 40 વર્ષીય યુવક એક યુવતીને પ્રેમ કરતો હતો પરંતુ લગ્ન થતા ન હતા. ગત 24 જૂન 2023એ યુવક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો. તે સમયે એક એસ્ટોલોજર નામની આઇડીથી જાહેરાત જોઇ હતી. તેમાં લખ્યુ હતુ કે તમારી અડચણોનું નિવારણ કરાશે. તેમજ લગ્ન બાબતે કોઇ અડચણ કે અન્ય ધાર્મિક વિધિથી નિવારણ કરાશે. જેથી યુવકને તે જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવા હોવાથી જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જેમાં ઠગ જ્યોતિષ વિનોદ જોષીએ વિવિધ તાંત્રીક વિદ્યાના બહાને યુવક પાસેથી રૂ. 6.07 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઇ કામ થયુ ન હતુ. આ અંગે યુવકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ઠગ સામે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી વિનોદ જોષીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા જ્યોતિષના નામે ઓનલાઈન ગેંગ સક્રિય હોવાનો થયો ખુલાસો થયો છે. આરોપીએ ચાર ઈન્સ્ટાગ્રામ આઇડી યોગ એસ્ટ્રોલોજી, વિનોદજોષી એસ્ટ્રોલોજી, જોષીવિનોદ7 અને તમન્ના એસ્ટ્રોલોજીના નામથી સાવરિયા જ્યોતિષ, તમન્ના જ્યોતિષ, સંતોષી જ્યોતિસ અને સંતોષી ક્રિપા જ્યોતિષના નામે વશીકરણ, પ્રેમ સંબંધ, વિદેશ વિઝા, છૂટા છેડા કરાવતા અને લગ્નના વિઘ્ન દૂર કરવાનો વિશ્વાસ આપીને લોકોને ટાર્ગેટ કરતો હતો. તેમજ આરોપી અને તેના મિત્રોએ જ્યોતિષના નામે છેતરપીંડીનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપીના મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જ્યોતિષના કામના વખાણ કરતા રિલ્સ બનાવીને લોકોનો વિશ્વાસ ઉભો કરતા હતા. આરોપીના બેન્ક એકાઉન્ટમાં 2024ના વર્ષમાં 50 લાખથી વધુનું ટ્રાન્જેક્શ થયું હોવાનું ખુલ્યું છે. જેમાં તે નાનું મંદિર બનાવીને જ્યોતિષ બન્યો હતો. આ આરોપી ઇન્સ્ટાગ્રામનું પેજ પણ ખુદ હેન્ડલ કરતો હતો.


  • Follow us on: