નરોડામાં રહેતી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપનો કરાર કરી તેની સાથે રહેવા જતી રહી હતી. જેથી પિતરાઇ ભાઇએ બહેનના જેઠને સમાધાન માટે બોલાવી ફ્ટકાર્યો હતો આ અંગે નરોડા પોલીસે ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.


નાના ચિલોડામાં રહેતા રાજેન્દ્ર બારૈયાનો નાનો ભાઈ નરેન્દ્ર બારૈયાએ નાના ચિલોડામાં હનુમાન મંદિરના પુજારીની દીકરી સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રહેવો જતો રહ્યો હતો. આ બાબતે જીવણપુરી તથા તેમના સગા રાજેન્દ્રના પરિવાર પર અદાવત રાખી 15 ઓક્ટોબરે રાજેન્દ્રના ઘરે જીવણપુરીનો ભત્રીજો નારણ ગોસ્વામી અને તેનો ભાઈ આવી કહ્યું કે, મારી બહેન ક્યાં છે તેથી રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, તારી બહેન હાલ ક્યાં છે તેની જાણ મને નથી. આટલું કહેતા જ નારણ ગુસ્સે ભરાયો હતો અને કહ્યું હતું કે, તુ મારા ઘરે ચલ આપણે બન્ને બેસીને આ વાતનું સમાધાન કરી લઇએ. જેથી રાજેન્દ્ર રિક્ષામાં બેસી નારણપુરીના ઘરે ગયા હતા. ત્યારે નારણે જણાવ્યું હતુ કે, મારી બહેનને તુ હાલ અહીંયા જ બોલાવ. તેથી રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, મને તે ક્યાં છે તેની ખબર નથી. આટલું કહેતા જ નારણ સહિતના લોકોએ તેને મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં રબર અને લાકડીથી ફ્ટકાર્યો હતો. પછી રાજેન્દ્રને રિક્ષામાં બેસાડી નરોડા ગામમાં લઇ આવ્યા હતા અને ઉતાર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, તું પોલીસ કેસ કરીશ અથવા હોસ્પિટલમાં સારવાર કરાવીશ તો તમને તથા તારા પરિવારને જાનથી મારી નાંખીશુ. આ અંગે રાજેન્દ્રે નારણ ગોસ્વામી, જીવણપુરી ગોસ્વામી સહિત ત્રણ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: