પૂર્વ વિસ્તારમાં એક દિવસમાં અલગ અલગ પ્રકારની મોડેસ ઓપરેડેન્સીની ઠગાઇની ચાર ફરીયાદો નોધાઇ છે. જેમાં કુલ રૂ.7.40 લાખની ગઠિયાઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવી છે. જેમાં નરોડામાં એએમસીમાં સબ ઇન્સ્પેકટરની નોકરી અપાવવાનું કહીને ગઠિયાએ ટીઆરબી જવાન પાસેથી રૂ. 30હજાર પડાવ્યા છે. જ્યારે દરિયાપુરમાં મરચાનો માલસામાન લઇ વેપારીને ગઠિયાએ રૂ. 6.15લાખ ન ચૂકવી ઠગાઇ આચરી છે. તેમજ દાણીલીમડામાં વેપારીને રિસોર્ટ બુકિંગ અને કેશબેકની લાલચ આપીને ગઠિયાએ રૂ.64 હજાર પડાવ્યા છે. તેમજ સરદારનગરમાં લોન કરાવી આપવાનું કહીને ગઠિયાએ રૂ.31 હજાર પડાવ્યા છે. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.


ઘટના - 1 : નરોડામાં 32 વર્ષિય અશ્વિનભાઇ પરમાર જી ડિવિઝનમાં ટીઆરબીમાં નોકરી કરે છે. ગત માર્ચમાં અશ્વિન નોબનગર ખાતે હતો ત્યારે એક કાર ચાલક મળ્યો હતો અને તેનુ નામ પુછતા વિજય હોવાનું તથા તે એએમસી ખમાસા ખાતે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે અશ્વિને તેને કહ્યું કે, મારા માટે કોઇ સારી નોકરી હોય તો કરી આપજો. બાદમાં બંને વાતો કરતા હતા. થોડા સમય પહેલાં વિજયે અશ્વિનને એએમસીમાં સબ ઇન્સ્પેક્ટરની નોકરી છે તે તને હું અપાવી શકું પરંતુ સાહેબને વહીવટ આપવો પડશે તેમ જણાવીને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. બાદમાં વિજયે સબ ઇન્સ્પેકટરનું સર્ટિફ્કિેટ કઢાવવા, મેડિકલ સહિત કુલ રૂ.30,400 પડાવ્યા હતા. પરંતુ બાદમાં કોઇ પ્રોસેસ ન થતા અશ્વિને ફોન કરતા વિજય ગલ્લાં તલ્લાં કરતો હતો. જેથી અશ્વિન તપાસ કરવા કોર્પોરેશન ઓફ્સિ પહોંચ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે વિજય નામનો કોઇ વ્યક્તિ ત્યાં ફરજ બજાવતો નથી. આ અંગે અશ્વિને વિજય સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.

ઘટના - 2 : દાણીલીમડામાં રહેતા શાહનવાઝ અંસારી ખાણી-પીણીની હોટલ ધરાવીને ધંધો કરે છે. ગત મેં મહિનામાં તેઓ પરિવાર સાથે ઉદેયપુર ફરવા જવાનું નક્કી કર્યું હતું. શાહનવાઝભાઇએ ગુગલ પર ઉદેપુરમાં આવેલી અનંતા રિસોર્ટ નામથી સર્ચ કર્યું હતું અને મોબાઈલ નંબર પર ફોન કરીને ભાવતાલ નક્કી કર્યા હતા. ત્યારબાદ ઠગે વેપારીને 14 મેમ્બર માટે 34 હજાર રૂપિયા નક્કી કર્યા અને ડિસ્કાઉન્ટ પણ આપશે તેવી લાલચ આપતા વેપારીએ ગઠીયાએ આપેલા એકાઉન્ટ નંબરમાં રૂપિયા 34 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ડિસ્કાઉન્ટના રૂપિયા નહી મળતા વેપારીએ મોબાઈલ નંબર પર ફોન કરતા ગઠીયાએ ડિસ્કાઉન્ટ આપ્યા હોવાનો સ્ક્રીન શોટ વોટ્સએપમાં મોકલી આપ્યો અને બીજા 30 હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ માટે ફોન કરતાબંધ આવતો હતો. આમ કુલ રૂ.64 હજાર ગઠિયાએ પડાવી લીધા હતા. આ અંગે શાહનવાઝભાઇએ ગઠિયા સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના - 3 : પાલડીમાં રહેતા 25 વર્ષિય સિધ્ધાર્થ શાહ ચોખા બજારમાં હળદર, મરચાંનો હોલસેલ ધંધો કરે છે. જ્યારે કાલુપુરમાં જ રાકેશ માલીવાલ તેની પત્ની કુશુમ નામે શ્રેયા ફ્લોર ડેપો નામથી વેપાર કરે છે. રાકેશ સિધ્ધાર્થને વર્ષ 2024માં મળ્યો હતો અને કહ્યું કે હું મરચાંનો હોલસેલ વેપાર કરું છું અને માલનું સમયસર પેમેન્ટ પણ કરી દઉં છું. બાદમાં સિધ્ધાર્થે રાકેશને સાત દિવસની ઉધારી પર માલ સામાન આપવાનુ નક્કી કર્યું હતું. જેથી સિદ્ધાર્થે કુલ રૂ.18.18 લાખનો મરચાંનો માલસામાન આપ્યો હતો. જેમાંથી રાકેશે રૂ. 12.04 લાખ આપ્યા હતા. બાકીના રૂ. 6.15 લાખ માંગતા ગલ્લાં તલ્લાં કર્યા હતા. આ અંગે સિધ્ધાર્થે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રાકેશ સામે ફરિયાદ નોધાવી છે.

ઘટના - 4 : સરદારનગરમાં રહેતી 26 વર્ષિય પિન્કી કેવલાણીને લોન કરાવાની હોવાથી રાણીપના હિતેષ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારે હિતેષે રૂ.3 લાખની લોન કરાવી આપવાનું કહી પ્રોસેસિંગ ફી પેટે, આઇટી રિર્ટન બનાવવા, લોન ઝડપી પ્રોસેસ કરાવવા અને જુદા જુદા ચાર્જ પેટે કુલ રૂ.31,500 હિતેષે લઇ લીધા હતા. પરંતુ લોન થઇ ન હતી. જેથી પિન્કીએ હિતેષને વારંવાર ફોન કર્યા હતા પરંતુ તેણે ફોન ઉઠાવ્યા ન હતા. પછી હિતેષે ફોન બંધ કરી દીધો હતો. આ અંગે પિન્કીએ હિતેષ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: