શહેરમાં રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ અને પીવાના પાણીના પ્રશ્ન તેમજ ઉભરાઈ જતી ગટરના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં સ્થાનિકોમાં ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્ય સામે વિરોધ સામે આવી રહ્યો છે.


રૂ.15 હજાર કરોડથી પણ વધુના બજેટ છતાં પણ નિકોલ જેવા પૂર્વના સૌથી વધુ વિકસિત ગણાતાં વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધા ન મળતાં સ્થાનિકોએ વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો હતો. હાલમાં રવિવારના દિવસે નિકોલમાં અમર જવાન સર્કલ પાસે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી કે, સ્થાનિક સમસ્યાનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી અને તેના માટે કોર્પોરેટર ફેન ઉપાડતા નથી. જેના માટે ફરિયાદ કરવામાં આવે છે પણ તેનો નિકાલ કર્યા વગર જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે સ્થાનિકો અને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાલમાં વરસાદની સાથે જ રોડ, પાણી, ગટર, સફાઈથી લઈ સ્ટ્રીટ લાઈટની પ્રાથમિક સુવિધાના મામલે લોકોને હાલાકી પડી રહી છે. જેના અંગે સ્થાનિકોની અવરનવર ફરિયાદ રહેલી છે. રવિવારે જ્યારે સ્થાનિક નેતાઓ રાઉન્ડ અપ પર નીકળ્યા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરતાં જણાવ્યું કે, જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે તેની કામગીરી કરવામાં આવી રહી નથી. જ્યારે કોર્પોરેટર લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવી રહ્યા છે. પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કોર્પોરેટરોની કામગીરીને લઈને નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. જે પછી ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું કે, તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું અને ફોન કરી મારો સંપર્ક કરવો. તેવું કહી સ્થાનિકોને શાંત પાડયા હતા.

સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું કે, વોર્ડમાં કોર્પોરેટર ચાર હોય છે અને છસ્ઝ્રનું બજેટ રૂ.15000 કરોડનું હોય છે તો નિકોલમાં કેટલા વપરાયા? એવું કહીએ તો કહે આરટીઆઇ કરો તો પછી અમે તમને કેમ ચૂંટીને લાવ્યા છીએ? સાથે જ કોર્પોરેટરે લાયબ્રેરી બનાવી છે, ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યો છે, અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું છે અને ફેટા બતાવવા લાગ્યા હતાં. રાત્રે તમે શું કર્યું, અમને ખબર છે એમ કહીને પ્રજાજનો પર પોતાનો રોષ બતાવવા લાગ્યા હતા. પ્રજાના સવાલો સાંભળવાની જગ્યાએ પોતે શું વિકાસ કર્યો છે એવું બતાવવા લાગ્યા હતા. આ પછી લોકોએ કહ્યું, તમે જવાબ આપવા આવ્યા છો, સવાલ કરવા આવ્યા નથી. જે પછી ધારાસભ્ય ફરીથી આવ્યા અને તેને સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે, કંઈ પણ કામ હોય તો મારી ઓફ્સિે આવી જવાનું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, ધારાસભ્ય અમને તમારાથી વાંધો નથી, પરંતુ કોર્પોરેટરો ફેન ઉપાડતા નથી. તેવી ફરિયાદ કરી હતી અને પ્રાથમિક ધોરણે પરિસ્થિતિનો નિકાલ કરવા માટે જણાવ્યો હતો.

નિકોલના લોકોની મુખ્ય ફરિયાદો

1. અમરજવાન સર્કલ પાસે ખરાબ રોડ અને આસપાસની સોસાયટીમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ

2. ગંગોત્રી સર્કલથી ડીમાર્ટ સુધીનો રોડ વન-વે તેના કારણે ટ્રાફિકની ફરિયાદ

3. કાનબા નજીક વારંવાર ગટર ઉભરાઈ જવાની સમસ્યા

4. જીવનવાડી, ઉમા સ્કુલ, ફાયર બ્રિગડ પાસે રોડ પર વેટમિક્ષ નાખીને રિપેરિંગ કરવામાં આવ્યો નથી

5. કઠવાડામાં ઠેર- ઠેર ગંદકી છતાં સફાઈ કરવાં આવી રહી નથી

6. સમગ્ર નિકોલમાં થોડાં જ વરસાદમાં ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે

7. નવા જ બનેલા ચિત્રકૂટ આવાસ પાસે ખૂબ જ ગંદકી


  • Follow us on: