વટવામાં મકાન માલિક દંપતી, તેના જમાઇ અને દલાલના ત્રાસથી બેકાર યુવકે ગળેફાસો ખાઇને આપઘાત કર્યો છે. જેમાં ભાડુ આપવામાં થોડુ મોડુ થાય તો ચારેય ઘર ખાલી કરવા ટોર્ચર કરતા હતા. તેમના ત્રાસથી યુવકની માતાએ પણ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મૃતક પાસેથી મળેલ સ્યૂસાઇડ નોટના આધારે વટવા પોલીસે ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
વટવામાં 54 વર્ષીય મુમતાજબાનુ પઠાણ પરિવાર સાથે રહે છે. તેમને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેમના 28 વર્ષીય પુત્ર સમીરખાનને તેની પત્ની સાથે બે વર્ષ પહેલા છુટાછેડા લીધા હતા બાદમાં માતા સાથે રહે છે. તેને કોઇ કામધંધો મળતો ન હોવાથી ચિંતામાં રહેતો હતો. ગત 21 એપ્રિલે મુમતાજબાનુ અલ મુસ્તાફનગરમાં ભાડે રહેતા ત્યાં પુત્ર સમીરખાને છતમાં લોખંડની પાઇપ સાથે ખાટલાની પટ્ટી બાંધીને ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેમાં વટવા પોલીસે જે-તે સમયે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન મૃતક પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી તેનું એફએસએલમાં પરિક્ષણ કરાવતા મૃતકે જ લખી હોવાનું સામે આવ્યુ છે. જેમાં લખ્યુ હતુ કે દલાલ મોહમદ આરીફ શેખે ગોકુલ સોસાયટીમાં મુનવરઅલી ઉર્ફે મુન્ના ભંગારવાલા અંસારીનું મકાન ભાડે અપાવ્યુ હતુ. તેમાં મુમતાજબાનુ અને સમીર રહેતા હતા. ત્યારે ભાડુ આપવામાં મોડુ થાય તો મુનવરઅલી અને તેની પત્ની સાયરાબાનુ મકાન ખાલી કરવા ટોર્ચર કરતા હતા. તેનાથી અગાઉ મુમતાજબાનુએ બ્લીચીંગ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા દંપતી અને તેનો જમાઇ મુખતીયાર અને દલાલ આરીફ પણ રાત્રીના બે વાગ્યે ઘર ખાલી કરાવ્યુ હતુ અને હરાજી કરાવી હતી. જેમાં પોલીસને ન્યાય અપાવવા માંગણી કરી હતી. આ અંગે મુમતાજબાનુએ ચારેય સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોધાવ્યો છે.










